સુરત: પાંડેસરામાં માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે સુરત કોર્ટે આરોપી ગુડ્ડું યાદવને ગઈ કાલે દોષિત ઠેરવ્યો હતો. આજે સુરત અધિક સેસન્સ કોર્ટના જજ PS કાલા દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી. આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ સાથે પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો આદેશ કરાયો છે. 


ગઈ કાલે, આરોપીને દોષિત ઠેરવ્યા બાદ બંને પક્ષના વકીલોની વચ્ચે સજા બાબતે દલીલો ચાલી હતી. સરકારી પક્ષ દ્વારા આરોપીને ફાંસીને ફાંસીની સજા માટે અપીલ કરી હતી.જેને માન્ય રાખતા  ફાસીની સજા ફટકારી છે.


પાંડેસરાની શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાત્રે અપહરણ કરી દુષ્કર્મ આચરી ગુડ્ડુ હત્યા કરી નાંખી હતી. આ કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ગઈ કાલે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. 


ગત 4 નવેમ્બરે દિવાળીની રાતે ગુડ્ડુ માસુમ બાળકીને ઉઠાવી ગયો હતો. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં દુષ્કર્મ કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી હતી. ફુટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. તેમજ  સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.


ચાર્જશીટ બાદ સરકારપક્ષે 69 પંચસાથી સાથે દસ્તાવેજી, સાયન્ટિફીક પુરાવા,મેડીકલ પુરાવાની લીસ્ટ રજુ કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી. સેશન્સ કોર્ટે સ્પીડી ટ્રાયલ નિર્દેશ આપતા તા.17નવેમ્બરે કેસની પ્રથમ મુદત દરમિયાન સાક્ષીઓની સરતપાસ અને ઉલટ તપાસ લેવાઇ હતી. સરકારપક્ષે પુનરાવર્તીત થતા 27 પંચ સાક્ષીઓને ડ્રો કરીને માત્ર 42 સાક્ષીઓની જુબાની લઇ કેસ કાર્યવાહી માત્ર 6 મુદતમાં પુર્ણ કરી હતી.


આરોપી ગુડ્ડુને દોષિત જાહેર કર્યા પછી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગુનાની ગંભીરતા તથા આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા જઘન્ય કૃત્ય બદલ આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીસમેન્ટની માંગ કરી હતી. જેના સમર્થનમાં 31 જેટલા પ્રસ્થાપિત જજમેન્ટના તારણો રજૂ કર્યા હતા.


બીજી તરફ આરોપીના બચાવપક્ષે આરોપીની નાની વય, પ્રથમ ગુનો  તથા માતા-પિતાની જવાબદારી સહિતના કારણોને ધ્યાને લઈને સજામાં રહેમ રાખી ઓછી સજા કરવા માંગ કરી હતી. સજાના મુદ્દે કોર્ટે બંને પક્ષોની  દલીલોને ધ્યાને લઈને સજાનો ચુકાદો આજે  7 ડિસેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.