સુરતઃ ગુજરાતમાં કોરોના દિવસે દિવસ વિકેટ રૂપ લઇ રહ્યો છે. સંક્રમિતોની સાથે સાથે કોરોનાથી મરનારા લોકોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સુરતમાં કોરોનાએ હાલત કફોડી બનાવી દીધી છે, એક પછી એક પરિવારો કોરોનાની ઝપેટમાં આવીને મૃત્યુને ભેટી રહ્યાં છે. સુરત નજીક આવેલા બારડોલીમાં પટેલ પરિવારને કોરોના ભરખી ગયો છે, માહિતી પ્રમાણે પટેલ પરિવારમાં પિતા, પુત્ર અને પુત્રવધુનુ કોરોનાથી મોત થયુ છે, અને પરિવારનાં વૃધ્ધાના માથે નાનાં પૌત્ર-પૌત્રીની જવાબદારી આવી પડી છે. રિપોર્ટ પ્રમાણે, બારડોલીમાં કુલ 4617 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 64 લોકોના મોત થયા છે. 


બારડોલીમાં કોરોના સંકટ વધુ ઘેરાતુ દેખાઇ રહ્યું છે. આ મહામારીમાં અનેક પરિવારો જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બારડોલીની હૂડકો સોસાયટી નજીક આવેલી બજરંગ વાડીમાં રહેતા કાછિયા પાટીદાર પરિવારમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. કોરોના 8 દિવસમાં પિતા, પુત્ર અને પુત્રવધૂને ભરખી જતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. 3જી મેના રોજ પુત્રવધૂના મોત બાદ 10મીએ બંને પિતા પુત્રના મોત થયા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. અહીં બજરંગવાડીમાં રહેતા બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા. જ્યારે તેમનો નાનો પુત્ર જયેશ અને પુત્રી હાલ યુ.કે.માં સ્થાયી થયા છે. 


સૌથી પહેલા પુત્રવધૂ પૂર્વી ત્યારબાદ પિતા બાબુભાઈ પટેલ અને બાદમાં પુત્ર મનીષ કોરોનાની ઝપેટમાં આવતા તેઓને હૉસ્પીટલાઝ્ડ કરવા પડ્યા હતા. અહીં 3 મે પૂર્વીનુ મૃત્યુ થયુ, અને 10મી મેએ સવારે બાબુભાઈ પટેલે પણ કોરોનાના કારણે મોત થયુ હતુ, એટલુ જ નહીં એ જ રાત્રે તેમના પુત્ર મનીષનું પણ અવસાન થતાં હાહાકાર મચી ગયો હતો. ખાસ વાત છે કે, બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સારા ખેડૂત હોવાની સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા.


ઘરમાં કોરોનાથી ત્રણેય વ્યક્તિના મોત થતા ઘર સુનુ થઇ ગયુ છે, હવે ઘરમાં બાબુભાઈના પત્ની અને બે પૌત્રો રહ્યા છે. હવે તમામ સઘળી જવાબદારી તેમના માથે આવી પડી છે.