રાજદ્રોહના ગુનામાં થોડો દિવસો પહેલા જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથીરિયાએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ કરવા સુરત ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા થયેલી અરજીમાં અલ્પેશે જામીનની શરત નંબર 2 અને 5નો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
અલ્પેશ કથીરિયાએ જેલમાંથી મુક્ત થયા બાદ વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં મગજમારી કરી હતી. તેણે વ્હીકલ ઉપાડવાને મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરી હતી. જાહેરમાં થયેલી ભાંજગડ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓને માર મારવા પબ્લિકને ઉશ્કેર્યા હતા તેવો આક્ષેપ પોલીસે કર્યો હતો.
આ ઉપરાંત પોલીસ મથકના લોક-અપમાં પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. પોલીસ સાથે ખરાબ વર્તન કરી પોલીસ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારભર્યા શબ્દો ઉચ્ચારતાં પોલીસ કમિશનરે તેની ગંભીર નોંધ લીધી હતી.