સુરત: નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરી એક વખત લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.  સુરતના સારોલી -જહાંગીરપુરા રોડ પરથી મોટર સાયકલ પર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બંને શખ્સોની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને જોઈ શેરડીના ખેતર તરફ ભાગી છૂટેલા બંને આરોપીઓને પકડવામાં પોલીસને 12 કલાક સુધી ભારે કસરત કરવી પડી હતી.  બાદમાં આરોપીઓને કેનાલના પાણીમાંથી ઝડપી પાડી રૂપિયા 97 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.


પોલીસને મોટી સફળતા હાથ લાગી


સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા સોદાગરોને ઝડપી પાડવા માટે કમર કસવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ડ્રગ્સની બદી સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના અને આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે સુરતના સારોલી જહાંગીરપુરા રોડથી મોટરસાયકલ પર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવેલા બે નવ યુવાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે આ બંને આરોપીઓને પકડવામાં પોલીસને ભારે કસરત કરવી પડી હતી. 


12 કલાકની કલાકની જહેમત બાદ બંને ઝડપાયા


સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આપેલી માહિતી મુજબ, પોલીસને જ્યારે માહિતી મળી તે દરમિયાન સારોલી બ્રિજ ઉપર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. જ્યાં મોટર સાયકલ પર પસાર થતા કોસંબાના તામિલ અબ્દુલ ક્યુમ શેખ અને સાહિલ અલ્લા ગુલામ મહંમદ દિવાનની મોટરસાયકલને અટકાવવાનો પ્રયાસ કરતા બંને શખ્સો મોટરસાયકલ ફેંકી શેરડીના ખેતર તરફ ભાગી છુટ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓનો પીછો કરી ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ શેરડીના ખેતર તરફ ભાગી છૂટેલા આરોપીઓને પકડવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ પોલીસ માણસોની મદદ લેવામાં આવી હતી. જ્યાં અંતે 12 કલાકની કલાકની જહેમત બાદ બંને આરોપીઓને કેનાલના પાણીમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. 


બંને આરોપીઓની અંગ ઝડતી લેતા ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ પાસેથી રૂપિયા 97.37 લાખની કિંમતનો 973.740 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સના જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપીઓએ ડ્રગ્સ કોસંબા ખાતેથી લઈ સુરત ડિલિવરી કરવા માટે આવ્યા હોવાની હકીકત જણાવી હતી. એટલું નહીં પરંતુ આરોપીઓ પૈકી તામિર કોસંબા ખાતે છત રીપેરીંગનું કામકાજ કરતો હોવાની માહિતી જણાવવી હતી. આ ઉપરાંત અગાઉ તે મારામારી તેમજ મોબાઇલ સ્નેચિંગ અને ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો હતો.


97.99 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો


વધુમાં ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બીજા આરોપી સાહિલ અલ્લાહ ગુલામ મહંમદ દિવાન પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી બુટ ચપ્પલની દુકાનમાં કૌસંબા ખાતે કામ કરે છે. આમ બંને આરોપીઓ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો, એક મોટરસાયકલ, બે મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી 97.99 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


મહત્વનું છે કે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે છે. જે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.