Surat Crime News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે. હાઇકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં કેટલાય સ્થળો એવા છે જેમાં સરકારની કોઇપણ જાતની મંજૂરી, ફાયર સેફ્ટી કે એનઓસી નથી. જોકે, હવે રાજ્ય સરકારે એક્શન લેવું શરૂ કર્યુ છે. આજે સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યુ અને શહેરની 400થી વધુ દુકાનોને સીલ કરી દીધી.


માહિતી પ્રમાણે, રાજકોટમાં 28 લોકોના જીવ ગુમાવવાની કરુણ ઘટના બાદ સુરત મહાનગર પાલિકા તંત્ર એક્શનમાં આવ્યુ છે. સુરત મનપા અગ્નિકાંડ બાદ સતત બીજા દિવસે પોતાની કામગીરી યથાવત રાખી હતી, સુરતની રાધે ટેક્સટાઈલ માર્કેટની ફાયર સેફ્ટી અને અન્ય ઓનએસી વિનાની કુલ 411 દુકાન સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા શહેરમાં ગેલેક્સી ઈકૉન માર્કેટની 23 મોટી દુકાનને સીલ કરાઇ છે. વરાછા ઝૉન Bમાં ટર્નિંગ પૉઈન્ટ કૉમર્શિયલ કૉમ્પલેક્ષની 57 દુકાન સીલ કરાઇ છે. કતારગામમાં જીમને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયુ છે. સહારા દરવાજા બેગમપુરામાં શ્રી ઓમ ટેક્સટાઈલની 111 દુકાન સીલ કરાઇ છે. મોટી બેગમવાડી ખાતે હીરાપન્ના માર્કેટની 97 દુકાન સીલ કરાઇ છે. બેગમપુરાના બૉડી બેલેન્સ જીમ મંજૂરી વગર ચાલતું હોવાથી સીલ કરાયુ છે. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ ચાર ટ્યૂશન ક્લાસિસ સીલ કરાયા છે. 


ગઇકાલે સુરતમાં 140 દુકાનો સીલ કરાઇ હતી


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ , ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટ માં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીનાં અભાવે સીલ મારવામાં આવી છે. દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી છતા ફાયર સેફ્ટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકાર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કાપડનાં ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના અભાવે કામગીરી કરાઈ છે.