સુરતઃ સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને કારણે હિરા બજાર અને હિરા ઉદ્યોગ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોના સ્થિતિ ને ધ્યાને લઇ હીરા ઉદ્યોગ 2 દિવસ બંધ રહેશે. સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત  પ્રમાણે તારીખ 21 અને 22 માર્ચે હીરા ઉદ્યોગ  બંધ રહેશે. 21 માર્ચ રવિવાર અને 22 માર્ચ સોમવારે હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા કમિશ્નર સાથે હીરા ઉદ્યોગકારોની મિટિંગ થઈ હતી તેમાં આ નિર્ણય લેવાયો છે.



સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. આ પહેલાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરૂવારે એક જાહેનામુ બહાર પાડ્યું હતું કે,  અન્ય રાજ્યમાંથી સુરતમાં આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. જે કોઈ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે આકરાં પગલાં લેવાશે.  આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી.



સુરતમાં ગુરૂવારે વધુ 353 કેસ નોંધાતાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 56,426 થયો છે અને વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 1141 પર પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશવરે આદેશ આપ્યો છે કે, અન્ય રાજ્યમાંથી આવનારને ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. આ પહેલા સુરત બહારથી આવનારે ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે એવો આદેશ અપાયો હતો પણ હોહા થતાં આ નિર્ણય પાછો લેવાયો છે. સુપરત શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1247 થઈ ગઈ છે.



કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 353 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે. નવા 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 205 અને જિલ્લામાંથી 5 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે.