સુરતઃ રાજ્યમાં કોરોના મહામારીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે, જેમાં અમદાવાદ, સુરતની હાલત સૌથી ચિંતાજનક છે. આ બંને શહેરોમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે અને છેલ્લા થોડા દિવસોથી પ્રાણવાયુ ઓક્સિજનની પણ અછત ઉભી થઈ છે.


આજે સુરત ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સરકારને ઓક્સિજન મુદ્દે આપ્યું અલ્ટીમેટમ આપ્યું છે. જે મુજબ
સુરતની ખાનગી હોસ્પિટલમાં હવે માત્ર 12 થી 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. સરકાર ઓક્સિજન પૂર્તિ માટે કામગીરી કરે તે માટે કલેક્ટરને રજૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 4000થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો દર્દીઓના જીવ જોખમમાં મુકાશે. આ મુદ્દે ડો.હિરલ શાહ-પ્રમુખ IMA સુરત, નિર્મલ ચોરડીયા-નિર્મલ હોસ્પિટલ, ડો.નેહા શાહ-INS હોસ્પિટલ, દિવ્યાંગ કાયસ્થ- ટ્રાય સ્ટાર હોસ્પિટલ, ડો.વિનોદ શાહ-ફેમિલિ ફીઝીશયન તથા હર્ષ સંઘવી-ધારાસભ્ય, મજુરા સુરત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.


ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સુરતના પ્રમુખ શહેરની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, સુરત શહેરમાં આગામી બારથી ચોવીસ કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે તેવી શક્યતાઓ છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી. મિશન હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ,નિર્મલ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સ્થિતિ બગડી છે.


સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,04,629 પર પહોંચી ગઈ છે. મૃત્યુઆંક વધીને 1645 પર પહોંચી ગયો છે. શહેરમાંથી કોરોનાને મ્હાત આપનારાની સંખ્યા વધીને 81,179 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,805 પર પહોંચી ગઈ છે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.