Surat Election Result: સુરતમાં યોજાયેલ ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7 હજાર 86 મતો ની લીડથી બીજેપીના ઉમેદવારે જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર જીતુ કાછડને 17359 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી 10273ને મતો મળ્યા છે જ્યારે આપ પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને 1917 મતો મળ્યા છે.
તમને જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. જાહેર થયેલા પરિણામમાં 464 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. તો બીજી તરફ જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઈ છે. પાટણના હારીજ નગરપાલિકામાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે.
જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય
ભાજપને જુનાગઢ નગરપાલિકામાં મોટો ઉલટફેરનો સામનો કરવો પડ્યો છે. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપના દિગ્ગજ નેતાને મોટો ઝટકો લાગ્યો છે. વૉર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના દીકરાની ભૂંડી હાર થઇ છે. દીકરો પાર્થ કોટેચા ભાજપની પેનલમાંથી હારી ગયો છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાજપના દિગ્ગજ નેતા ગણાતા ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાનો પરાજય થયો છે. આ કારમા પરાજય બાદ જુનાગઢ મહાનગરપાલિકામાંથી કોટેચા પરિવારનો એકડો નીકળી ગયો છે. જુનાગઢ મહાનગપાલિકામાં ભાજપની પેનલમાં ત્રણ ઉમેદવારોની જીત થઇ છે પરંતુ પાર્થ કોટેચાની હારથી સમીકરણો બદલાયા છે. અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકામાં ભાજપને 23 અને અપક્ષને 1 બેઠક મળી ચૂકી છે. અહીં અપક્ષ ઉમેદવાર અશ્વિન રબારીએ જુનાગઢમાં ભાજપને ઝટકો આપ્યો છે.
જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ 44.32 ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63 ટકા મતદાન થયું હતું. જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા 59.36, માણાવદર 56,માંગરોળ 67.20, વિસાવદર 65.54, વંથલી 69.45 અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 79.45 ટકા એમ સરેરાશ અંદાજિત 66.63 ટકા મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું હતુ. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં 50.74 ટકા મતદાન થયું હતું.
અનુમાનો ખોટા
જુનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી આધારે પરિણામોનું અનુમાન જુનાગઢની જનતા સાચુ કરવા દેતી નથી તે મનપાની વર્ષ ર019ની ચૂંટણીમાં પુરવાર થયું હતું. તેમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછું મતદાન બંનેમાં ભાજપને ફાયદો થયો હતો. મનપાની ગત સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.1માં 66.36 ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.11માં 36.20 ટકા થયું હતું તેમ છતાં બંને વોર્ડમાં ભાજપની પેનલો વિજેતા થઇ હતી તે ચૂંટણીમાં સરેરાશ 49.68 ટકા મતદાન થવા છતાં ભાજપને પ4 બેઠકો મળી હતી. રાજકીય પંડિતો ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો અને વધુ મતદાનથી ભાજપને ફાયદોના ગણિત માંડતા હતા પણ હવે મતદારોમાં જાગૃતિ આવી છે અને શિક્ષિત લોકો પણ મતદાન કરવા આગળ આવી રહ્યા છે તેથી ટકાવારીના આધારે પરિણામનો અંદાજ ખોટો ઠરે છે.
આ પણ વાંચો....