Surat News: નકલી ચલણી નોટ કેસમાં સેન્ટ્રલ એજન્સીઓએ પાખંડી યોગગુરૂ પ્રદીપ અને તેની ગેંગની તપાસ શરૂ કરી છે. NIA, RBI, સ્ટેટ અને સેન્ટ્રલ IBએ પૂછપરછ કરી હતી જેમાં આરોપીઓએ 17 લાખ રૂપિયાનું રો મટિરિયલ ચીનથી મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ક્રિપ્ટો કરન્સીથી 17 લાખના સિક્યુરીટી થ્રેડ પેપર ચીનથી મંગાવ્યા હતા. યોગ ગુરુ પ્રદીપે નકલી ચલણી નોટો માર્કેટમાં ફેરવી અલગ-અલગ શહેરોમાં આશ્રમ સ્થાપવા કૌભાંડ આચાર્યાની વિગતો પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. શનિવારે સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સીઓએ પ્રદીપ અને મુકેશ ઠુમ્મર સહિતના આરોપીઓની 8 કલાક પૂછપરછ કરી હતી. ચીનમાં કયા એજન્ટને મળ્યા તેની માહિતી પણ NIAએ પ્રદીપ પાસેથી મેળવી છે. બીજી તરફ નકલી ચલણી નોટનું સેમ્પલ RBIને મોકલવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ RBI અલગથી કાર્યવાહી કરશે.  

પ્રદીપ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રદીપ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે. અત્યાર સુધીની તપાસમાં તેની પાસેથી આયુર્વેદિક ઉપચાર કે અન્ય કોઈપણ પ્રકારની તબીબી પ્રેક્ટિસ માટેની માન્ય ડિગ્રી મળી આવી નથી. નોંધનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કામરેજમાંથી કથિત પ્રદીપની ધરપકડ કરી હતી. 

તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ ધોરણ 12 પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાનો દાવો કરતો હતો. રાજકોટમાં હેર સલૂન ચલાવતો શખ્સ સુરતમાં ‘યોગગુરુ’ બની ગયો હતો. ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા સાથે છેતરપિંડી કરતો હતો. કામરેજના પારડી ખાતે ‘યોગ ધામ’ બનાવી ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. કોઈ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગોની સારવારનો વિશ્વાસ આપતો હતો. દર્દીઓની ફાઈલ પર ડોક્ટરનું નામ નહીં, માત્ર પોતાનો ફોટો જ જોવા મળ્યો હતો. કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા પડાવ્યાની આશંકા છે. કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે અઢી લીટર પાણી કાઢવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સેવિકાઓ દ્વારા કરવામાં આવતી જોખમી પ્રક્રિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. હાર્ટ બ્લોકેજ ખોલવાના ખોટા દાવાથી અનેક લોકોને શિકાર બનાવ્યા હતા. આશ્રમમાં જ ‘હાઈટેક ઓપરેશન થિયેટર’ જેવી સુવિધા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભક્તોને આકર્ષવા ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરી પાખંડ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે આરોપી પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી.