Surat father arrested: હજીરા વિસ્તારમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાની જ સગીર દીકરી પર છ વર્ષ સુધી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ૧૭ વર્ષીય પીડિતા પર થયેલા લાંબા સમયના શારીરિક શોષણથી કંટાળીને તે ઘર છોડી ભાગી છૂટી હતી, અને અંતે બહેનપણીને આપેલી આપવીતી બાદ ઈચ્છાપોર પોલીસે ૫૦ વર્ષીય નરાધમ પિતાને રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ દબોચી લીધો છે.
સુરત, હજીરા વિસ્તારમાં એક જાણીતી કંપનીમાં કોન્ટ્રેક્ટ પર કાર્યરત મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતાએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઈચ્છાપોર પોલીસ મથકે નોંધાઈ છે. આ ભયાવહ દુષ્કર્મથી કંટાળીને પીડિતાએ આખરે ઘર છોડી દીધું, સુરત રેલવે સ્ટેશન પર બે રાત વિતાવી, અને ત્યાંથી કોઈ ઓળખીતાનો સંપર્ક કરી ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચતા સમગ્ર ગુનો પ્રકાશમાં આવ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નરાધમ પિતાની ધરપકડ કરીને તેને જેલહવાલે કર્યો છે.
શોષણની કંપારી છૂટે તેવી કહાણી
ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી પિતા તેની પત્ની, દીકરી અને બે ભાઈ બહેનો સાથે સુરતમાં રહેતો હતો. પીડિત દીકરી ધોરણ ૬ સુધી અહીં હિન્દી વિદ્યાલયમાં ભણ્યા બાદ વતન યુપી પરત ગઈ હતી. તે સમયે વડીલોપાર્જિત જમીનના ઝઘડાને કારણે માતા પણ દોઢ વર્ષ માટે યુપી ગઈ હતી.
વર્ષ ૨૦૧૯માં, જ્યારે દીકરી ધોરણ ૮માં અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર માત્ર ૧૩ વર્ષ હતી, ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે તે સૂતી હતી. આ સમયે પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું. દીકરીએ તેની માતા અને દાદા દાદીને પિતાના આ ક્રૂર કૃત્ય વિશે જાણ કરી હતી, પરંતુ પરિવારે પિતાને ઠપકો આપવા છતાં તેના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. પોતાનું દુષ્કૃત્ય છુપાવવા માટે તે ઝઘડો કરવા બેઠો હતો. ત્યાર બાદ, પીડિતાએ પિતાથી બચવા માટે રાત્રે દાદી સાથે રૂમ બદલવાની ફરજ પડી હતી.
ત્રાસ યથાવત્, દીકરીનું પલાયન
વર્ષ ૨૦૨૩માં, ધોરણ ૧૨નો અભ્યાસ કરવા માટે દીકરીને ફરીથી તેની માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી, પરંતુ અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું. પુત્રી ઇનકાર કરતી ત્યારે તેને માર મારતો હતો. માતા અને પિતા વચ્ચે પણ રોજિંદા ઝઘડા થતા હતા. દીકરી સતત ભય અને ત્રાસના ઓથાર હેઠળ જીવતી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે તેણે દોઢ માસ સુધી પોતાના કાકાના ઘરે રહીને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો.
આ અતિશય પીડામાંથી મુક્તિ મેળવવા માટે, પીડિતાએ ૪ મેના રોજ સવારે ઘર છોડી દીધું અને સુરત રેલવે સ્ટેશન પહોંચી. ત્યાં તેણે બે દિવસ ભૂખ્યા તરસ્યા વિતાવ્યા. આ દરમિયાન, આરોપી પિતાએ પોતાની દીકરી ગુમ થઈ હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં જ પીડિતા પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને પોતાની સાથે વીતેલી સમગ્ર કાળઝાળ હકીકત વર્ણવી.
પોલીસ કાર્યવાહી
સમગ્ર મામલે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે પુષ્ટિ કરી કે ભોગ બનનાર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે પિતા મિસિંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ પીડિતા પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી. ૨૦૧૯ થી એટલે કે છ વર્ષથી પિતા તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો અને તેને માર મારવામાં પણ આવી રહ્યો હતો, જેના કારણે તે ઘર છોડીને નાસી ગઈ હતી. મિસિંગ સગીરાની શોધખોળ દરમિયાન જ આ આખી ભયાનક હકીકત સામે આવી હતી. આ ઘટનાએ સમાજમાં બાળકીઓની સુરક્ષા અને પરિવારના બંધનોમાં રહેલા વિશ્વાસના ભંગ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.