સુરતમાં છેલ્લા આઠ મહિનાથી ગુમ પોલીસ હેડ કોન્સ્ટેબલની પત્નીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે સાહેબ, મારો પોલીસ પતિ 8 માસથી ગુમ છે, એક વેપારીનો ફોન રેકોર્ડ કરતાં દિલ્હી પોલીસ લઈ ગઈ હતી પરંતુ હજુ સુધી તે ઘરે આવ્યા નથી.
વાસ્તવમાં સુરતના મહિધરપુરાના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મિથુન રંગાભાઇ ચૌધરી છેલ્લા આઠ મહિનાથી ગુમ છે. હેડ કોન્સ્ટેબલ મિથુનના પત્ની શર્મીલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે તેમના પોલીસ પતિ 8 મહિનાથી ગુમ છે. તેમને દિલ્હી પોલીસ ઉપાડી ગઇ હતી. ન્યાય અપાવો?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પીડિત પરિવારને લઇને મુખ્યમંત્રીને રજૂઆત કરવા મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતા. ચાવડાએ પીડિતોને ન્યાય આપવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિથુન ચૌધરી મહિધરપુરા પોલીસ સ્ટેશન ઝોન- 2માં ફરજ બજાવતા હતા. તેઓ ફોન રેકોર્ડિંગનું કામ કરતા હતા. તેમના એક મિત્રે દિલ્હીના એક બિઝનેસમેનનો ફોન રેકોર્ડિંગ કરવાનું કહેતા ચૌધરીએ તેમના યુઝર આઇડીથી ફોન રેકોર્ડ કર્યો હતો. દિલ્હીના બિઝનેસ મેનને આ વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. તે પછી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને ઉઠાવી ગઈ હતી. આ અંગે દિલ્હી પોલીસે કહ્યું હતું કે, અમે ઓગસ્ટ 2022માં ચૌધરીને છોડી મૂક્યા હતા. કોન્સ્ટેબલની પત્નીને શંકા છે કે, તેમના પતિનું અપહરણ કરી કોઈકે ગોંધી રાખ્યા છે.
Surat: સુરતમાં એક જ પરિવારનો સામૂહિક આપઘાત, માતા-દીકરીનું મોત, પિતા-પુત્રની સ્થિતિ ગંભીર
સુરતમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં માતા અને દીકરીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક જ પરિવારના સામૂહિક આપઘાત પ્રયાસમાં અત્યાર સુધી માતા અને પુત્રીનું મોત થયું હતું જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 20 વર્ષીય દીકરી સૈનિતા મોરડિયા અને 43 વર્ષીય શારદાબેનનું મોત થયું હતું.સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને દીકરીનું મોત નિપજ્યું હતું.