સુરતઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા ગત સપ્તાહે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો હતો.  રાજ્ય સરકારે તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો હતો.. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.


રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ સુરતના જ્વેલર્સને કામમાં નથી આવી રહી. જેને લઈ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર ચડી શકે તે માટે સવારે 9 થી 3ના સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે.


પત્રમાં લખવામાં આવ્યા મુજબ, જ્વેલર્સ કે ગોલ્ડ ખરીદવા માટે મોટાભાગે લોકો બપોર બાદ આવતા હોય છે.
વર્તમાન સમય બપોરે 3 વાગ્યે જ્વેલર્સ બંધ કરી દેવામાં આવે છે, જેનાથી જ્વેલરી ઉદ્યોગ ખુબજ પ્રભાવિત છે.
ઉપરાંત સોનાના ભાવનું માર્કેટ બપોરે 12 વાગ્યે ખુલે છે. જેથી સમયમાં ફેરફાર કરવાની માંગ જ્વેલર્સ દ્વારા કરવામાં આવી છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો સતત ઘટાડાનો ક્રમ આખરે અટક્યો છે. મંગળવારે કોરોનાના ૩,૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૯૪,૯૧૨ જ્યારે કુલ મરણાંક ૯,૬૬૫ છે. હાલમાં ૬૨,૫૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૦૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૬૭૬ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને હવે ૯૦.૯૨% થઇ ગયો છે. બરાબર ૧૦ દિવસ અગાઉ રાજ્યમાં ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસમાં ૪૦%નો ઘટાડો નોંધાયો છે.  અત્યારસુધી કુલ ૭,૨૨,૭૪૧ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. વધુ ૯૯,૬૦૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૧૦ કરોડ છે. હાલમાં ૩,૧૦,૨૦૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.