સુરતઃ લેડી PSIએ કોના પાશવી અત્યાચારથી આપઘાત કર્યો હોવાનો પિતા-ભાઈનો આક્ષેપ ? આપઘાત પહેલાં ભાવનગરથી કોણે કરેલો વીડિયો કોલ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2020 11:19 AM (IST)
અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે.
સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ અનિતા જોશીના આત્મહત્યાના કેસમાં તેના પિતાએ સાસરિયાં સામે પાશવી અત્યાચાર અને ધમકી આપવાના આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે. અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે. રવિવારે સવારે સુરતની સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાસે મૃતકના પિતા બાબુભાઈ જોષી અને ભાઈ નૈનેશે સાસરિયાં સામે આક્ષેપો કરતાં કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી અનિતાને તેનો પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતુભાઈ અને નણંદ અંકિતા ત્રાસ આપતાં હતાં. તેઓ વારેઘડીએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. આ ઉપરાંત અનિતાએ સુરત અને ભાવનગરમાં ખરીદેલ મિલકતો પોતાના નામ કરી દેવા પણ દબાણ કરતાં હતાં. ગયા શનિવારે અતિતાને એકલી મૂકી પતિ સહિતનાં સાસરિયા દીકરા ભાવનગર લગ્નપ્રસંગમાં ચાલ્યાં ગયાં હતાં. અનિતાનો દીકરો ચાર વર્ષનો હોવા છતાં તેને પણ સાથે લઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું કે, ભાવનગર જઈને પણ તેમણે અનિતાને કોલ કરી ધમકાવી હતી. આપઘાતના આગલા દિવસે શુક્રવારે તેમણે અનિતાને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં પણ અનિતાને અપશબ્દો બોલી ધમકાવી હતી. તેમણે કહ્યું હતું કે, તને દીકરાને સાથે રાખવો હોય તો નોકરીમાંથી રાજીનામું આપી દે, કાં તો ગોળી ખાઇને મરી જા. દીકરાને પોતાનાથી દૂર રાખી રાજીનામું આપી દેવા દબાણ કરતાં સાસરિયાના અત્યાચારથી અનિતા કંટાળી ગઈ હતી. તે છેલ્લાં કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં રહેતી હતી. તેણે માતા સમક્ષ પોતાની આપવીતી વર્ણવતી હતી. સાસરિયાના અત્યાચારથી જ અમિતાએ આપઘાત કરી લીધો હોવાનું પિયરિયાંએ જણાવ્યું હતું.