સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઇટ શિફટમાં કામ કરવા ગયેલા પતિની ગેરહાજરીમાં રાત્રે 11 વાગ્યે પાડોશી યુવકે તેના ઘરમાં ઘૂસીને યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીએ ઘર બદલ્યું તો પણ યુવક પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવીને પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે પરિણીતાના પતિની ફરિયાદને આધારે લીંબાયત પોલીસે આરોપી સામે ગુનો નોંધીને જેલહવાલે કરી દીધો છે. 


યુવક આ રીતે એક વાર શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે પતિ આવી જતાં તેને આ સંબંધોની જાણ થઈ હતી. યુવતીએ યુવકે આપેલી ધમકીની વાત કરતાં પતિએ એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ સંતાનની માતા એવી 25 વર્ષની યુવતીની પડોશમાં રહેતા બિહારના યુવક સાથે સાથે ઓળખાણ થઇ હતી. આ યુવક પરીણિત છે અને એક સંતાનનો પિતા છે.


યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. પણ ત્રણેક વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો. તેણે પરીણિતાને કહ્યું હતું કે, હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ. તેના બદલામાં તેણે શરીર સુખની માગણી કરીને  શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.


યુવતીએ ઇન્કાર કરતા યુવકે ધમકી આપી હતી કે,  મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ઘરવાળા અને દીકરીને મારી નાંખીશ. આ રીતે યુવતીને ધમકી આપીને તાબે કરીને પાડોશી યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ પરીણિતા પતિ સાથે સોસાયટીમાં જ અન્ય રૂમમાં રહેવા ચાલી ગઇ હતી. પાડોશી યુવકે પણ પત્નીને વતન મોકલી આપી પોતે વરેલી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જો કે તે સંબંધીઓને મળવાના બહાને આવતો હતો અને પતિની ગેરહાજરીમાં બદનામ કરવાની ધમકી આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ સંબંધો જાણ છેવટે યુવતીના પતિને થઇ જતા આ અંગે લિંબાયત પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.