સુરતઃ ગઈ કાલે ગુજરાતની રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે તેમજ કેટલાક વેપારધંધા સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલી રાખવાની મંજૂરી આપી છે, ત્યારે સુરતમાં  આંશિક લોકડાઉનમાં છૂટછાટથી લોકોએ કામધંધો ચાલુ કરવા દોટ મૂકી હતી.


વરાછા વિસ્તારમાં કામ ધંધે જતા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જાણે કોઈ બાઈક રેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આંશિક લોકડાઉનમાં સુરતનો હીરા બજાર બંધ હતો. આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હીરા દલાલો ખુશ છે. પોતાનો ધંધો રોજગાર ચાલુ કરવા જતા જોવા મળ્યા રહતા. હીરાના યુનિટો રાબેતા મુજબ ચાલુ છે.


સુરતમાં આંશિક લોકડાઉન છૂટછાટ ને લઈ હીરા દલાલોએ સમય ફેરફાર કરવાની માંગ કરી છે. હીરા બજાર 11 વાગે ખુલે છે. 11 થી 5 સમય રાખવા હીરા દલાલોની માંગ છે. સવારે 9 વાગે કોઈ આવતું નથી.



કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.



હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.



આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.



શું ખુલ્લું રહેશે ?



  • પાનના ગલ્લા

  • ચાની કિટલી

  • હેર સલૂ

  • હાર્ડવેરની દુકાનો

  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો

  • રેડીમેડ કપડાની દુકાનો

  • વાસણની દુકાનો

  • મોબાઈલની દુકાનો

  • હોલસેલ માર્કેટ

  • ગેરેજ-પંચરની દુકાનો


શું બંધ રહેશે ?



  • શૈક્ષણિક સંસ્થા

  • ટ્યુશન ક્લાસિસ

  • થિયેટરો

  • ઓડીટોરીયમ

  • એસેમ્બલી હોલ

  • વોટર પાર્ક

  • જાહેર બાગ-બગીચા

  • મનોરંજક સ્થળો

  • જીમ

  • સ્વિમિંગ પુલ


ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.



રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.