surat municipal commissioner transfer: સુરતમાં અત્યારે સૌથી વધુ ચર્ચાઈ રહેલા અને વિવાદાસ્પદ બનેલા 'નાસીરનગર ડિમોલિશન' કેસમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2026 ના રોજ મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક અસરથી સુરત મ્યુનિસિપલ કમિશનર (SMC) શાલિની નાગરાજન (IAS: 2009) ની બદલી કરી દેવામાં આવી છે.

Continues below advertisement

નાસીરનગરમાં કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ સીધી ડિમોલિશનની કાર્યવાહી કરી દેવાતા હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબદાર અધિકારીઓની ભૂમિકા નક્કી કરવા અને તેમની સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પગલે સરકારે આ મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે.

નવી નિમણૂકો ક્યાં થઈ?

Continues below advertisement

રાજ્ય સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ, એમ. નાગરાજનની હવે ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન' ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલના સુરત જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS: 2016) ને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949 ની કલમ 39 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ (હવાલો) સોંપવામાં આવ્યો છે.

આ સાથે જ, 'સમગ્ર શિક્ષા અભિયાન' ના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે. (IAS: 2005) ની ગાંધીનગર ખાતે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) ના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કેમ થયો વિવાદ? પાલિકાના નિવેદનમાં હતો વિરોધાભાસ

નાસીરનગર ડિમોલિશન પ્રકરણ કેટલાક દિવસોથી ભારે વિવાદનું કેન્દ્ર બનેલું છે. જ્યારે આ વિસ્તારમાં ડિમોલિશન થયું, ત્યારે શરૂઆતમાં સુરત પાલિકાએ એવો બચાવ કર્યો હતો કે આ કાર્યવાહી તેમણે કરી જ નથી. પરંતુ, બાદમાં ખુદ પાલિકા કમિશનર એમ. નાગરાજને સ્વીકાર્યું કે આ ડિમોલિશન પાલિકા તંત્ર દ્વારા જ કરવામાં આવ્યું હતું!

આમ, પહેલા હાથ અદ્ધર કરી દેવા અને પછી કાર્યવાહી સ્વીકારવી - આ વિરોધાભાસને કારણે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. જ્યારે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે કડક વલણ અપનાવીને ડિમોલિશન કરનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તાકીદ કરી હતી. કોર્ટની કાર્યવાહી બાદ તરત જ સરકારે લીધેલા આ નિર્ણયથી વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ