સુરતઃ સુરતના  પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નિકળેલી 21 વર્ષીય યુવતીનું કારની અડફેટે મોત નિપજ્યું હોવાનો દાવો તેના પતિ દ્વારા કરાયો હતો પણ યુવતીના પિતાએ  શાલિનીનો 15 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે પતિ અને નણંદ દ્વારા હત્યા કરવામાં આવી છે એવો આક્ષેપ કરતાં આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું હતું કે, 8  જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે 5 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. એ વખતે કાર ચાલકે શાલિનીને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસને હજુ સુધી કાર દ્વારા અકસ્માત કરાયો હોવાના પુરાવા નથી મળ્યા ત્યારે બીજી તરફ શાલિનીના પિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે શાલિનીની હત્યા કરવામાં આવી છે અને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પતિ કરી રહ્યો છે.



પતિનું પોલીસને કહેવું છે કે, અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. શાલિનીના પરિવારના સભ્યો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે કે, શાલિનીના નામે લાખો રૂપિયાનો વીમો હતો. પોલિસી ક્લેમ કરવા માટે ભાઈ-બહેને કાવતરું રચીને હત્યા કરી નાખી છે અને  શાલિનીના સસરા સોહનસિંઘ પણ આ કવતરામાં સામેલ હોવાનું શાલિનીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.



શાલિના પિતાની ફરિયાદ પ્રમાણે ફેબ્રુઆરી 2017માં શાલિનીના લગ્નના થયા હતા. સાસરિયાંએ ત્રણ-ચાર મહિના પછી જ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અનુજની બહેન પૂજા ઉર્ફે નિરુ હેરાનગતિ કરતી હોવાથી પિતા દીકરીને ઘરે લઈ ગયા હતા.  તેમણે એક મહિનામાં શાલિનીને પાછી મોકલી હતી. સાસરિયાંએ એ પછી 2018માં 5 લાખ રૂપિયા માગતા તેમણે 2 લાખ રૂપિયા આપ્યા હતા. બટાકાનો પાક તૈયાર થતાંની સાથે 3 લાખ આપવાનું વચન આપ્યું હતું. એ પછી સાસરિયાં દીકરી પાસે ફોન પણ રાખવા નહોતાં દેતાં અને વાત પણ કરવા નહોતાં દેતાં.  પિતાનો આક્ષેપ છે કે, શાલિનીનાં સાસરિયાં સવારે 10 વાગ્યે ઉઠે છે ત્યારે  સવારે વોક પર કઈ રીતે ગયા એ સવાલ છે.