Surat Diamond News: સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો બેકાર બન્યા છે ત્યારે મોદી શૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્નકલાકાર માટે મદદગાર બન્યા છે. લાલજીભાઈ પટેલ રત્નકલાકારોના વ્હારે આવ્યા છે. જેમાં 40 જેટલા રત્નકલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી છે. હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાય ની પહેલ કરી છે ત્યારે અન્ય ઉદ્યોગકારો માટે અપીલ છે કે તેઓ પણ રત્નકલાકારોની વ્હારે આવે.આજે આપવામાં આવેલી મદદમાં વિદ્યાર્થી દીઠ ૧૫૦૦૦ ની એજ્યુકેશન સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં આપઘાત કરનાર રત્નકલાકારના પરિવાર ને પણ સહાય આપવામાં આવી છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને આર્થિક સંકડામણ અનુભવતા ૪૦ પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ, કોલેજની ફિ ધર્મનંદન ડાયમંડે ભરી છે. ડાયમંડ વર્કર યુનિયનની હેલ્પલાઈન નંબર પર ફોન કરી મદદ માંગનાર પરિવારની વહારે ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ આવ્યા છે.

ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં છેલ્લાં ૫૦ વર્ષમાં પહેલી વખત સતત ૨ વર્ષથી મંદી ચાલી રહી છે. જેના કારણે સુરતની ડાયમંડ ઉદ્યોગપતિઓની સાથે સાથે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. નાના હીરાના યુનિટો બંધ થઈ જવાને કારણે અમુક રત્નકલકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે જેથી તેઓ ઘર ચલાવવા અને પોતાના સંતાનોની સ્કૂલ અને કોલેજની ફિ પણ ભરી શકે તેવી સ્થિતિ ન હતી. આવા સમયે ધર્મનંદન ડાયમંડ દ્વારા રત્નકલાકારોના સંતાનોનો અભ્યાસ ખરાબ ન થાય તે માટે તેમની ફી ભરવામાં આવી છે.

આર્થિક તંગીને કારણે રત્નકલકારો દ્વારા આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. જેથી રત્નકલાકારોના જીવન બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો દ્વારા નોકરી, સંતાનોની સ્કૂલની ફિ અને ઘરના રાશન માટે આર્થિક મદદ માંગી હતી. આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજીભાઈ પટેલને થતાં તેણે વિદ્યાર્થીઓની ફિ ભરી આપવા માટે કહ્યું હતું. આર્થિક મદદ માંગનાર પરિવારની આર્થિક સ્થિતનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફિ માટેના ચેક આપવામાં આવ્યા હતાં. રવિવારના રોજ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ અને કોલેજમાં અબ્યાસ કરતાં ૪૦ વિદ્યાર્થીઓને સ્કૂલની ફિ માટે ૧૫ હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો ઉપસ્થિત રહ્યા હતાં.





આ પ્રસંગે ધર્મનંદન ડાયમંડના સ્થાપક લાલજી પટેલે કહ્યું હતું કે, ડાયમંડ ઉદ્યોગમાં મંદિનું વાતાવરણ છવાયેલું છે, આ બાબતના સમાચાર રોજ ન્યુઝ પેપરમાં વાંચવા મળે છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમારી સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે. આ મંદિરને કારણે કારખાનું ચલાવતા હીરા વેપારીને પણ નુકસાન થાય છે અને સાથે સાથે કર્મચારીઓને પણ આર્થિક નુકસાન થાય છે. જો કોઈ લોકોને વ્યસન હોય તો તે બંધ કરીને બચત કરવાનું શરૂ કરવું જોઈએ. આવી કટોકટીના સમયે કરકસર યુક્ત જીવન જીવવું જોઈએ. ધર્મનંદન ડાયમંડ દ્વારા વિદ્યાર્થીઓની ફિ ભરી આપવામાં આવી છે. આ બાબતે અન્ય ડાયમંડ કંપનીઓએ પણ આગળ આવીને પહેલ કરે તો ડાયમંડ ઈન્ડસ્ટ્રીના કારીગરો સચવાઈ જશે અને તેમને પડતી મુશ્કેલીઓનું સમાધાન થશે.


આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ દિશામાં વિચારે તે ખૂબ જરૂરીઃ દિનેશ નાવડિયા

ઈન્ડિયન ડાયમંડ ઈસ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણમાં સૌથી મોટું કારણ યુક્રેન-રશિયા યુદ્દ, ત્યાર બાદ ચાઈનિઝ વેપારીઓ દ્વારા નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે મંદીનું વાતાવરણ છવાયેલું છે. સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીની હાલત અત્યારે ખરાબ છે ત્યારે રત્નકલાકારોના સંતાનોની ફિ ભરવામાં ધર્મનંદન ડાયમંડ દ્વારા મદદ કરવામાં આવી છે. આ એક સરાહનિય કામ છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચારે તે ખૂબ જ જરૂરી છે. જો આવું થશે તો ડાયમંડ ઉદ્યોગમાં પોઝિટિવ વાતાવરણ ઉભું થશે..


બચત ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશેઃ ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે, આર્થિક તંગીને કારણે અમુક રત્નકલાકારો આત્મહત્યા પણ કરી રહ્યાં છે. ત્યારે આવા સમયમાંથી બહાર નિકળવા માટે થોડી ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલાં જ ખર્ચાઓ કરવા જોઈએ. વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું અને બચત કરવી જે તમને ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે..