સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા પછી હજુ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડશે એવી અટકળો ચાલી રહી છે. આપના પક્ષપલટુ કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવાની ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના બાકી રહેલા 22 કોર્પોરેટરોમાંથી 8 કોર્પોરેટર ગેરહાજર રહેતાં આ અટકળો ચાલી રહી છે. આપના બાકી રહેલા કોર્પોરેટરો પૈકી 14 કોર્પોરેટર જ હાજર રહ્યા હતા તેથી ગેરહાજર રહેલા 8 કોર્પોરેટર પણ તૂટે તેવી શક્યતા પ્રબળ બની છે.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડીને કમળ પકડી લેતાં 27 સભ્યોનું સંખ્યાબળ ઘટીને 22 થઇ ગયું છે. આપના કોર્પોરેટરોના પક્ષપલ્ટા બાદ લોકોમાં રોષ ફેલાશે એમ વિપક્ષે કહ્યું હતું. પણ એવું કશું થયું નથી. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પણ પક્ષ છોડી જનારા કોર્પોરેટરોને લીધે કોઇ ફેર પડતો નથી તેવી વાત કરી હતી.   બાકીના 22 કોર્પોરેટરો એક  છે તેમાંથી કોઇ પક્ષ છોડે તેમ નથી અને ફોન કરીશું ત્યારે તમામ એકસાથે થઇ જશે તેવો દાવો કર્યો હતો.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ દ્વારા બુધવારે સવારે 11. 30 વાગ્યે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને આવેદન પત્ર આપીને પક્ષપલટો કરનારા કોર્પોરેટરોનું સભ્ય પદ રદ્દ કરવા માટે આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી. જો કે સાંજે 4. 30 વાગ્યે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર હાજર ન હતા તેથી ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. કમિશ્નર આજે સુરતમાં ન હતા તે બધાને જ ખબર હતી તો પછી સવારે ડેપ્યુટી કમિશ્નરને આવેદન પત્ર કેમ નહીં આપવામાં આવ્યું તે  પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે, સવારે પણ આપના કેટલાક કોર્પોરેટરો સંપર્ક વિહોણા હોવાથી આવેદપત્ર આપવાનો સમય બદલાયો હતો.  સાંજે પણ કોર્પોરટેરો ન આવતાં તેઓએ ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું.