સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં માતા અને બહેનની હત્યાની આરોપી ડો. દર્શના પ્રજાપતિએ પોતાની સમસ્યાઓ માટે પિતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ડો. દર્શના પ્રજાપતિએ પોતે શા માટે આત્મહત્યા કરવા માગે છે એ બાબતે પોલીસને નિવેદન આપ્યું હતું. ડો. દર્શનાએ આ નિવેદનમાં દાવો કર્યો કે,  તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત , પરંતુ તેમણે એવું કર્યું નહીં અને જવાબદારી ના નિભાવી તેથી પોતે જીવવા નથી માગતી. ડો. દર્શના હાલમાં આર્થિક સંકડામણમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


કતારગામમાં ચીકુવાડી ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ તેની માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને ઇન્જેક્શન આપી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ ડો. દર્શના પ્રજાપતિએ પોતે પણ ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે તેના ભાઈએ તેના પેટમાંથી ગોળીઓ કઢાવીને સમયસર સારવાર અપાવતાં તે બચી ગઈ હતી.


ચોકબજાર પોલીસે તેની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે દર્શનાની ધરપકડ કરી છે. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી અને  એક પિતા તરીકે પણ તેમણે સામાજિક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી તેથી પોતે હતાશામાં સરી ગઈ હતી.


પોલીસે જણાવ્યું કે, ડો. દર્શના છેલ્લા બે દિવસથી સતત રડ્યા કરે છે. દર્શના કહે છે કે તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી. હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે તેથી પોતે આપઘાત કરી લેશે એવું તેનું કહેવું છે.  મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.