અમદાવાદઃ સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી છે. હાર્દિક પટેલના ઘરેથી નીકળતી વખતે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી લેવાઈ છે. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. આજે અમદાવાદમાં ઉપવાસ માટે આવેલા અલ્પેશ કથિરીયા હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.


એક દિવસના પ્રતિક ઉપવાસ કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત 9 લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.

હાર્દિક પટેલે કહ્યું, ઉપવાસ વખતે અમારી ગેરકાયદે રીતે પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં પીઆઈ ચાવડાએ અમારા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી પણ આપી છે. હાર્દિકે કહ્યું કે પીઆઈ ચાવડાના આ પ્રકારના વર્તન અંગે અમે હાઈકોર્ટમાં જઈશું. આ સાથે જ પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.