Surat Palsana textile mill blast: પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બપોરના સમયે કાપડ રંગવાના ડ્રમમાં ભીષણ બ્લાસ્ટ થતા ભારે દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રચંડ બ્લાસ્ટ બાદ મિલમાં આગ લાગી ગઈ હતી. ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 22 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7 ની હાલત ગંભીર છે. આગ પર કાબુ મેળવવા માટે સુરત અને જિલ્લાની 15 થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, પરંતુ બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા નજીક જોળવા ગામની જીઆઈડીસીમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના બની હતી. મિલમાં કાપડ રંગવા માટે ઉપયોગમાં લેવાતા એક વિશાળ ડ્રમમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ડ્રમનું ઢાંકણ 200 મીટર દૂર બાજુની કંપનીમાં જઈને પડ્યું હતું.

ડ્રમ ફાટતા તેની આસપાસ કામ કરી રહેલા મહિલા અને પુરુષ શ્રમિકો ડ્રમમાંથી નીકળેલા ગરમ પ્રવાહીથી ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રારંભિક તપાસ મુજબ, આ દુર્ઘટનામાં ડ્રમ નીચે દબાઈ જવાથી 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 22 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા.

આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી

બ્લાસ્ટ બાદ સર્જાયેલા શોર્ટ સર્કિટને કારણે મિલમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા પલસાણા સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત મહાનગર પાલિકા અને જિલ્લાની 15 થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ઇજાગ્રસ્ત થયેલા 22 લોકોમાંથી 7 ની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોને કડોદરા અને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે મિલમાં અંદર જવા અને બહાર આવવા માટે માત્ર એક જ રસ્તો હતો. જેના કારણે ફાયરના જવાનોએ મિલના પતરા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. હાલમાં, આગ પર કાબુ મેળવ્યા બાદ વધુ 2 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે, અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવશે.