સુરતઃ ચોક બજાર વિસ્તારની 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાનું અપહરણ કરી ચાલુ લક્ઝરી બસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી સલમાને કિશોરીને અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરાને 2 મહિના પહેલા આરોપી સલમાનખાન પઠાણ(20 વર્ષ) (રહે,ચોકબજાર) પ્રેમમાં ફસાવી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આ અંગે ખબર પડતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી ભીંડથી સલમાન ખાનની ધરપકડ કરીને સગીરાનો કબજો લીધો હતો. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી હતી.
ગોધરાઃ સાપ્તાહિક અખબારના તંત્રી સાથે ગોધરામાં લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બામરોલી રોડના નિત્યમ શાળાની પાછળ આવેલા મકાનમાં સોનલબેને આપઘાત કરી લીધો છે. પતિના અવાર નવાર માનસિક ત્રાસને કારણે મહિલાએ આપઘાત કર્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. એ ડિવિઝન પોલીસે મહિલાનો મૃતદેહ ગોધરા સિવિલ હો. માં પેનલ પી એમ કરાવી મરણ જનારના પતિ ભરત પ્રણામી સામે ફરિયાદ નોંધી FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં સાપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ સોનલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. તેમજ આ પછી સોનલબેન ફૂલહાર કરી લેતા પત્ની તરીકે રહેતી હતી. દોઢેક વર્ષથી બંને બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતા લીધેલા મકાનમાં રહેતાં હતાં. જોકે, ભરતભાઈ સોનલબેનને મકાન આપી દેવાનું અને તેમને બીજા લગ્ન કરવા છે તેમ કહી પરેશાન કરતાં હતા. આથી સોનલબેને સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધી છે.
સોનલબેને લખેલી સૂસાઇડ નોમાં 5થી 7 લોકોનાં નામોનો ઉલ્લેખ છે. આ સૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં પતિ અને અન્ય વ્યક્તિઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભરતને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોવાનું તેની પત્નીનાં પરિવારજનોએ જણાવ્યું હતું.