સુરતમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બે આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપીઓ પોલીસને જોઇને ભાગતા લાગ્યા હતા જેના કારણે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. શિવશંકર અને મુન્ના પાસવાન નામના આરોપી ઝડપાયા હતા.
નોંધનીય છે કે મંગળવારે મોડી રાત્રે સુરતના મોટા બોરસરામાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સુરતના માંગરોળમાં દુષ્કર્મના ત્રણ આરોપીઓ ફરાર હતા. જેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આ આરોપીઓને ભાગતા જોઈને પોલીસે ફાયરિંગ કર્યું હતું.
આરોપીઓને પકડવા પોલીસે ફાયરિંગ કર્યું
સુરત જિલ્લામાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મમાં પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નરાધમો સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ સહિતની મદદથી તપાસ આગળ ધપાવી હતી અને આરોપીઓ તડકેશ્વર નજીક છૂપાયા હોવાની બાતમી મળતા પોલીસ તડકેશ્વર પહોંચી હતી. પોલીસને જોતા જ નરાધમ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કરીને શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાનને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. કોસંબા પોલીસની હદમાં આવેલ ગામમાં 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે મોટા બોરસરા ગામ નજીક અવાવરૂ જગ્યાએ હતા ત્યારે જ ત્રણેય નરાધમો ત્યાંઆવી પહોચ્યા હતા અને સગીરા પર દુષ્કર્મ આચરની પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. પોલીસે આ જ મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા નાની નરોલી ગામ નજીકનું લોકેશન ટ્રેસ થયુ હતુ. ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે.
કચ્છમાં પણ યુવતી સાથે દુષ્કર્મ
કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબા જોઈને ઘરે પરત ફરી રહેલી યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ હતી. આડેસરમાં રહેતી 18 વર્ષની યુવતી સાત ઓક્ટોબરના રોજ રાત્રે ૧ વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરતી હતી તે સમયે તેને અચાનક ચક્કર આવી ગયાં હતાં જેથી સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો. યુવતીને એકલાં જોઈને કારખાનેદારે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.