Surat: સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ચર્ચિત રેગિંગકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં થતી રેગિંગથી કંટાળીને ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી.
સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાને સરકારી નિયમાનુસાર નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે, પરંતુ તેઓ કોઈ પણ ખાનગી નોકરી કે પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ ઉપરાંત, સસ્પેન્શન દરમિયાન તેમની બદલી સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે કરવામાં આવી છે.
30 જુનિયર તબીબોના ચોંકાવનારા નિવેદન: "બોન્ડ ન હોત તો વિભાગ છોડી દીધો હોત"
તપાસ કમિટી સમક્ષ 30 જેટલા રેસિડેન્ટ તબીબોએ હાજર થઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જુનિયર તબીબોએ કમિટીને જણાવ્યું હતું કે સિનિયરો દ્વારા આચરવામાં આવતા અસહ્ય ત્રાસ અને રેગિંગથી તેઓ કંટાળી ગયા હતા. જો લાખો રૂપિયાના બોન્ડ ભરવાની મર્યાદા ન હોત, તો તેમણે ક્યારનોય આ વિભાગ છોડી દીધો હોત.
HOD અને ડીનની કાર્યવાહી શંકાના ઘેરામાં
મૃતક ડૉ. હર્ષ પંડ્યા સહિતના જુનિયર તબીબો સિનિયરોની હેરાનગતિ અંગે વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને ફરિયાદ કરવા પણ ગયા હતા, પરંતુ ડૉ. સુમૈયા તેમને મળ્યા જ નહોતા. સિનિયરો અને HODના આંખ મીચામણાને કારણે જ આ હોનારત સર્જાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ પણ ડીન અને પ્રોફેસરને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા હતા.
સ્મીમેર મેડિકલ કોલેજનો મોટો નિર્ણય: રેગિંગ થશે તો હવે HOD અને યુનિટ હેડ જવાબદાર
ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યાની ગંભીર ઘટના બાદ સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર સક્રિય થયું છે અને મહત્વનો નિર્ણય લીધો છે:
- HOD ની સીધી જવાબદારી: હવેથી જો કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે, તો માત્ર એન્ટિ-રેગિંગ કમિટી જ નહીં પરંતુ સંબંધિત HOD અને યુનિટ હેડ પણ સીધા જવાબદાર ગણાશે.
- ત્વરિત પગલાં: રેગિંગની કોઈ ફરિયાદ કે સંકેત મળે તો તુરંત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- સાક્ષીઓનું રક્ષણ: રજૂઆત કરનાર ફરિયાદી કે સાક્ષી તબીબ સામે કોઈ બદલાની ભાવના કે પ્રતિકાર ન થાય તેની સંપૂર્ણ જવાબદારી HODની રહેશે.
- જાગરૂકતા: તમામ નવા આવતા વિદ્યાર્થીઓને કૉલેજની એન્ટિ-રેગિંગ નીતિથી માહિતગાર કરવામાં આવશે.
