Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદને પગલે સ્થિતિ કફોડી બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા બે કાર તેની નીચે દબાઇ ગઇ હતી. ઝાડ પડતા ત્રણ કારને નુકસાન પહોંચ્યું હતું. દુર્ઘટનામાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સુરત કોર્ટ નજીક બનેલી આ ઘટનામાં એક રિક્ષાને પણ નુકસાન થયું હતું. જોકે રિક્ષાની અંદર સવાર મુસાફરનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.


સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી ગયો હતો. સુરત મનપાની પ્રિમોનસૂન કામગીરીને પણ અસર થઇ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.


ધોધમાર વરસાદથી સુરતમાં પણ રસ્તા ધોવાઇ ગયા હતા. શહેરના રસ્તાઓ, ગરનાળાઓ ધોવાયા હતા. માંડવીના ઉશ્કેરથી મુઝલાવ બોધાન જતો માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરાયો હતો. રવિવારે માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  


વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજ પૂરવઠાને અસર થઇ હતી. કચ્છ-સૌરાષ્ટ્રના ગ્રામ્ય,શહેરી વિસ્તારના 251 વીજ ફીડરો બંધ થયા હતા જ્યારે 91 વીજ પોલ ધરાશાયી થયા હતા. ભારે વરસાદથી 10 જેટલા વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી 38 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો હતો. સૌથી વધુ પોરબંદર, ભૂજ જિલ્લામાં વીજ પૂરવઠાને અસર થઇ છે. PGVCLની અલગ અલગ ટીમોએ કામગીરી શરૂ કરી હતી.


રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે. વરસાદને લઈ રાજ્યના 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી. અહી વરસાદને પગલે 9 રસ્તાઓ બંધ કરાયા હતા. તે સિવાય રાજ્યમાં વરસાદના કારણે બે સ્ટેટ હાઇવે પર વાહનવ્યહાર પ્રભાવિત થયો હતો. વરસાદથી રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચાયત હસ્તકના 26 રસ્ચાઓ પણ બંધ કરાયા હતા. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તા બંધ થયા હતા. જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના છ રસ્તાઓ, દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ચાર રસ્તા, જૂનાગઢ જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે, રાજકોટ જિલ્લામાં 3, પોરબંદર જિલ્લામાં 2 રસ્તા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલીમાં 1-1 રસ્તા બંધ કરાયા હતા.