Surat News: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ બાદ ફરી એકવાર સુરતમાંથી કિશોરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક 14 વર્ષની કિશોરી સાથે હૉટલમાં વારંવાર દુષ્કર્મ આચરાયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.
ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એકવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના ઇચ્છાપોર વિસ્તારની આ દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં રાહુલ સંજય વાઘ નામનો એક શખ્સે એક 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આર્ચયુ છે. આરોપી કિશોરીને લગ્નની લાલચ આપીને સુંવાલી અને હૉટલમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચરતો હતો, જોકે, ગઇ 8 ફેબ્રુઆરીએ પણ આ જ ઘટના ઘટી, આરોપી રાહુલ કિશોરીને દુષ્કર્મ આચરવા લઇ ગયો, કિશોરી પોતાના ઘરે સમયે પરત ના ફરી તો ચિંતાતુર પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જોકે, મોડી રાત્રે કિશોરી રડતી રડતી પોતાના ઘરે પરત ફરી હતી, આ પછી પરિવારની પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં આ મામલે ઇચ્છાપોર પોલીસમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી
સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો.
રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે.
સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી.પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.
આ દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. આ માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટોરિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફે ઇલ્યાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે. ઓટો રીક્ષાની તલાસી લેતા તેમાંથી પાંચથી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ-અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં ઓટો રીક્ષા હાકિંમદિન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રીક્ષા ચાલક હાકિંમદિન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. ભંગારના વેપારી તારિક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
આ કેસમાં પોલીસે એક ઓટો રીક્ષા, રોકડા રૂપિયા,ચોરીનો એક મોબાઈલ,ચોરીની પાંચ બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.