Surat: સુરતની ધારુકા કોલેજમાં દુર્ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.




આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. રિપેરિંગ કામ સમયે સ્લેબ ધરાશાયી થતા કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે અન્ય શ્રમિકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.


ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં પણ સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું હતું.  સચીન જીઆઈડીસીમાં એક ડાઈંગ - પ્રિન્ટીંગ મિલની પાસે ચાલી રહેલ કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે યુવાનો કાટમાળમાં દટાયા હતા જેમાં એકનું મોત થયું હતું.  


સચીન જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક દિવસોથી નવી મિલ બાંધવા માટે કન્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. કન્ટ્રકશન સાઈડ પર 10 થી 15 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થતા 40 વર્ષીય ભારત બારીયા અને 35 વર્ષીય કિરણ પરમાર નામના બે શ્રમિકો દટાયા હતા. જોકે ભરત બારીયાને બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે ભરતને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કિરણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.


નોંધનીય છે કે ગયા મહિનામાં અમદાવાદમાં પણ ઇમારત ધરાશાયી થયાની ઘટના બની હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઇ હતી. મણિનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 30 લોકોના રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું