- મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અશાંતિને કારણે સુરતના સોલાર હબ પર સીધી અને નકારાત્મક અસર પડી છે.
- ખોરવાયેલી સપ્લાય ચેઈનને લીધે સુરતના ઉદ્યોગકારો પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પૂરા કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
- દેશના કુલ સોલાર મેન્યુફેક્ચરિંગમાં 50 થી 55 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોનો છે.
- દરિયાઈ માર્ગે આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક અનિયમિત થતા ફેક્ટરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.
- કન્ટેનરના ભાડા $600-$900 થી વધીને સીધા $3500-$4000 સુધી પહોંચતા ઓર્ડરની પડતર કિંમતમાં 20% જેટલો વધારો થયો છે, જેનાથી નફો મેળવવો મુશ્કેલ બન્યો છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની હવે સુરતના હબ ગણાતા સોલાર ઉદ્યોગ પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. વૈશ્વિક અશાંતિ અને ખોરવાયેલી સપ્લાય ચેઈનને કારણે સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ ₹25,000 કરોડના અધધ ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. કન્ટેનરના ભાડામાં થયેલા તોતિંગ વધારા અને કાચા માલની અછતના કારણે સોલાર પેનલ બનાવવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે, ઉદ્યોગકારો માટે હવે નફો કમાવવો તો દૂરની વાત છે, પોતાની મૂડી બચાવવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
આ અંગે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર ચેતન શાહ જણાવે છે કે, આખા દેશમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન તો માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં જ થાય છે. પરંતુ હાલમાં યુદ્ધની સ્થિતિના લીધે દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલ (રો-મટીરિયલ) ની આવક સાવ અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર મળી રહ્યું નથી, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે અને સમયસર ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની ગયા છે.
ડો. ચેતન શાહના મતે, આ વૈશ્વિક અશાંતિને લીધે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે, અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે રાતોરાત વધીને 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ ભાવ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ઉદ્યોગકારોનું માનીએ તો વર્તમાન સ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર (ખર્ચ) બેસી રહી છે. લાખો અને કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટ્સમાં સારી કમાણીની આશા હતી, તેમાં હવે ઉદ્યોગકારો માંડ માંડ પોતાનો ખર્ચો કાઢી રહ્યા છે.
