સુરતની એલ.પી.સવાણી સ્કૂલના સત્તાધીશોની દાદાગીરી સામે આવી છે. ઇન્ટરનેશનલ યોગ ડે નિમિતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી. વોટ્સએપ પર મેસેજ કરીને વિદ્યાર્થીઓને શનિવાર સુધી ગેરહાજરી મુકવાની ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.




મળતી જાણકારી અનુસાર, સુરતમાં એલ.પી સવાણી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી હતી. યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ થકી સ્કૂલના સત્તાધીશોએ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે યોગ કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી શાળામાં ગેરહાજરી મુકવાનો મેસેજ કર્યો છે. જો કે આ મુદ્દે શાળાના સંચાલકોએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.


એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોરના એક વાલી ગ્રુપમાં મુકાયેલો મેસેજ બુધવારે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળા તરફથી બુધવારના યોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરીની સૂચના આપવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને એસવીએનઆઇટી કેમ્પસ સામે આવેલા બ્લોક નંબર- ૧૯માં હાજર રહેવાની સૂચના અપાઇ હતી. વાલીઓને ૫ વાગ્યે બાળકોને સ્થળ પર મુકી જવાની સૂચના અપાઇ હતી. જોકે, યોગ કાર્યક્રમ પૂરો થયા બાદ બપોરે ૧.૫૦ વાગ્યે વાલીઓના ગ્રુપમાં એક મેસેજ મુકાયો હતો.



મેસેજમાં જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓ યોગા ડે કાર્યક્રમમાં હાજર રહ્યા નથી તેમની શનિવાર સુધી ગેરહાજરી મુકવામાં આવશે. આ સંદર્ભે પહેલેથી જ કડક પગલાં લેવાશે એવી સૂચના મેસેજમાં આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓએ ગેરહાજરી માટે જાણકારી આપી દીધી છે તેઓએ શાળાએ આવવાનું રહેશે. યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી એટલે કે ત્રણ દિવસની ગેરહાજરી મુકવાની સૂચનાથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ સંદર્ભે સ્કૂલના સંચાલક ધર્મેશ સવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે હજુ મારી પાસે કોઇ જાણકારી નથી.    


વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું


તાજેતરમાં જ સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.