સુરતઃ રાંદેર પોલીસે સટ્ટા બેટીંગમાં લાખ્ખો રૂપિયા હારી જતા ચેઇન સ્નેચીંગના રવાડે ચઢેલા બે સ્નેચરને ઝડપી પાડી રૂ. 2.54 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. બે પૈકી એક રીઢો ગુનેગાર છે જયારે બીજો મુંબઇ ખાતે સ્ટ્રલીંગ એક્ટર હોવાનું જાણવા મળ્યું છે.


બંનેની પ્રાથમિક પુછપરછમાં ક્રિકેટ સટ્ટા બેટીંગમાં લાખો રૂપિયા હારી જતા ચેઇન સ્નેચીંગના રવાડે ચઢયા હોવાની કબૂલાત કરી છે. બે પૈકી મીરાજ કાપડી મુંબઇમાં સ્ટ્રલીંગ એક્ટર છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં વૈભવ જાદવ બેકાર છે અને અગાઉ તે ચેઇન સ્નેચીંગ, લૂંટ અને જુગારના કેસમાં કેશોદ, વેરાવળ, જુનાગઢ, રાજકોટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 12 ગુનામાં ઝડપાય ચુકયો છે.




મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચૂક્યો છે. આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી 10-15 કરતાં વધારે સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે. આરોપીઓ જુનાગઢમાં સાથે અભ્યાસ કરતા હતા અને ક્રિકેટના સટ્ટાના રવાડે ચઢી ગયા હતા. વૈભવે ઘણા વર્ષો પહેલા ચેઇન સ્નેચિંગ શરૂ કરી હતી. ક્રિકેટ સટ્ટામાં મીરાજ પર પણ દેવું થઇ ગયું હતું. વૈભવ કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગ કરતા હોવાથી મીરાજ તેની સાથે જોડાયો હતો.


રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર-ભેંસાણ ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન વૈભવ બાબુભાઇ જાદવ (ઉ.વ. 24 રહે. 1, પચાસ ખોલી, ઇચ્છાપોર-2, તા. ચોર્યાસી અને મૂળ. ધ્રાબાવડ, તા. માળીયા, જિ. જુનાગઢ) અને મિરાજ વલ્લભદાસ કાપડી (ઉ.વ. 29 રહે. 141, મહાડા ફોર બંગ્લો, અંધેરી, વેસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર અને મૂળ. બી 11, મંગલધામ-2, મંગલેશ્વર મંદિરની સામે, ડિમ્બાવાડી, જિ. જુનાગઢ) ને ઝડપી પાડી તેમની પાસેથી સ્પેલન્ડર બાઇક નં. જીજે-5 જીએલ-6250, સોનાની તૂટેલી ત્રણ ચેઇન કિંમત રૂ. 1.20 લાખ મળી કુલ રૂ. 2.54 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.