સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી નાંખી હતી ને એ પછી પતિએ હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અડાજણના માધવ પાર્કમાં બનેલી આ ઘટનામાં પતિ રજનીકાંત ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આ કેસમાં પત્ની રાજેશ્રીબેનના બહેન પ્રતિભાબહેનને શંકા જતા પોલીસને રજુઆત કરી હતી ને તેના પગલે પોલીસે તપાસ કરતાં હત્યાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રજનીકાંત સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી પતિની કરી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના અડાજણના આધેડ વયના શંકાશીલ સ્વભાવ ધરાવતા ટેક્સટાઇલ ડિઝાઇનરે ઘરકંકાસમાં પત્નીને ટૂંપો દઇ હત્યા કરી હતી. હત્યા કરીને પુરાવાનો નાશ કરીને તેણે સંબંધીઓને સામેથી ફોન કરી જણાવ્યું કે પત્નીએ ફાંસો ખાઇ લીધો છે. મૃતકની બહેને ઘટના બાબતે શંકા જતાવતા પોલીસ તપાસમાં પીએમ રિપોર્ટમાં માર માર્યા બાદ ગળે ટૂંપો દઇ હત્યા કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
અડાજણ માધવ પાર્કમાં 51 વર્ષીય રજનીકાંત છીતુભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની રાજેશ્રીબેન અને 17 વર્ષીય દીકરો જેસસ હતા. રજનીકાંત ટેક્સટાઈલ ડિઝાઈનર છે. રજનીકાંત શંકાશીલ સ્વભાવનો હોવાથી નાની-નાની વાતે રાજેશ્રીબેન સાથે ઝગડો કરતો હતો. તે નાની-નાની વાતે રાજેશ્રીબેન પર શંકા કરતો હતો. ભાઈબીજના દિવસે બપોરે રજનીકાંતે જેસિસને એક રૂમમાં પુરી દીધો હતો. ત્યાર બાદ રાજેશ્રીબેન સાથે ઝગડો કરીને આખા શરીરે મુઢ માર માર્યો હતો. ત્યાર બાદ રજનીકાંતે રાજેશ્રીબેનને કોટનની દોરીથી ફાંસો આપીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રજનીકાંતે તમામ સંબંધીઓને ફોન કરીને જાણ કરી કે રાજેશ્રીબેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે પહેલાં આરોપી રજનીકાંતે લોહી વગેરે સાફ કરીને પુરાવાનો નાશ કરી નાખ્યો હતો.
જો કે પોસ્ટ મોર્ટમમાં ખબર પડી કે રાજેશ્રીબેનને માર માર્યા બાદ ટૂંપો આપીને હત્યા કરાઈ છે. અડાજણ પોલીસે પ્રતિભાબેનની ફરિયાદ લઈને રજનીકાંત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે રાજેશ્રીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો હતો.