Surat News: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા  હતા.


મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ


પીસીબી ટીમે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીજી આર્કેડ સામે સુરતી ખમણ નામની દુકાન સામે પાર્ક કરાયેલી પીકઅપ વાનને આંતરી હતી. પાછળ લોડિંગની બોડી છુટી કરી તેની નીચે ચોરખાનું બનાવી મોટા પાયે દારૂ સંતાડીને લાવવામાં આવ્યો હોવાની માહિતી બાદ બોડી છુટી કરવામાં આવતાં નીચેથી દારૂનો જથ્થો મળ્યો હતો. લોડિંગમાં નાના કેન જોવા મળ્યા હતા. કેમિકલ ભરવા માટે વપરાતા એર ટાઇટ કેનની એક તરફ પ્લાસ્ટિક ચોંટાડવામાં આવ્યું હતું. જે ખસેડતાં તેમાંથી દારૂની બોટલ્સ મળી આવી હતી.


ત્રણ લોકોની કરી ધરપકડ


પોલીસે 1.97 લાખની કિંમતની 353 નંગ દારૂની બોટલ અને પીકઅપ વાન કબજે કરી સુરતી ખમણના નામે દુકાન ચલાવતાં હર્ષ ઠક્કર, કામરેજના સરોડ ઉક્ફે છોટુ લલ્લન યાદવ અને સેલવાસના ઓલ્ટન ફળીયામાં રહેતા ઝલારામ બાબુલાલ બિસ્નોઈની ધરપકડ કરી કુલ 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


 રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ


રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટતાં અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.