Surat:  સુરત શહેરમાં વધુ ત્રણ યુવકોના શંકાસ્પદ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર શહેરમાં ત્રણ યુવકો અચાનક બેભાન થઇને ઢળી પડ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન ત્રણેય યુવકોનું મોત થયું હતું. ત્રણેય યુવકોનું હાર્ટ અટેકના કારણે મોત થયાની આશંકા છે.


27થી 45 વર્ષીય યુવકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પુણાનો યુવક ડિંડોલીમાં તેની સાસરીમાં ગયો હતો ત્યારે અચાનક તે બેભાન થઇને ઢળી પડ્યો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. બીજી એક ઘટનામાં લિંબાયતમાં કાપડના યુનિટમાં કામ કરતી વખતે અચાનક બેભાન થયા બાદ યુવક મોતને ભેટ્યો હતો. ત્રીજી એક ઘટનામાં પુણામાં જ છાતીમાં દુ:ખાવા બાદ અચાનક બેભાન થયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્રણેય યુવકોનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


નોંધનીય છે કે ગયા મહિનામાં સુરતના પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 30 વર્ષિય યુવકનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકનું મોત થયું.


સુરતના પાંડેસરા વિસ્તારની આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 30 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો અને તે  ત્યાં જ અચાનક ઢળી પડ્યો હતો. યુવકને તાબડતોબ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


વહેલી સવારે કેમ વધુ બને છે હાર્ટ અટેકના કેસ?


એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે, સૌથી વધુ હાર્ટ એટેક સવારે આવે છે. હાલમાં જ સ્પેનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં એ સાબિત થયું છે કે, હાર્ટ એટેક ઘણીવાર સવારે આવે છે. સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે.