સુરત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીને ઘટી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક છૂટછાટ આપવામાં આવી રહી છે તેમજ સ્કૂલોમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. 


ઉધનાની લીઓ સનગ્રેસ સ્કૂલમાં બે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર અને વાલી ચિંતામાં મુકાયા છે. પોઝિટિવ આવતા પાલિકા આરોગ્ય વિભાગનો સ્કૂલને 8 દિવસ બંધ કરવાનો આદેશ અપાયો છે. સ્કૂલો પૂર્વવત થાય તે પહેલા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. બીજી તરફ આજે 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા. 


રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. આજે 16 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લાઓમાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. 


અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.