અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ એક અત્યંત હચમચાવી દેતી અને ચિંતાજનક ઘટના સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે શાળાના બાળકોમાં પણ ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉધનામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ બહાર માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થી પર સામાન્ય બોલાચાલીની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
વર્ગખંડની બોલાચાલીના કારણે હુમલો
મળતી વિગતો અનુસાર, આ ચોંકાવનારી ઘટના ઉધના વિસ્તારમાં નગર પ્રાથમિક મરાઠી માધ્યમ શાળા નંબર 201માં બની હતી. ગુજરાતી માધ્યમમાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોઈ સામાન્ય બાબતે મરાઠી માધ્યમમાં ધોરણ 6 માં ભણતા 11 વર્ષીય વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. શાળા છૂટતાની સાથે જ ધોરણ 7ના વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલી છરી વડે ધોરણ 6ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે ભોગ બનનાર માસૂમ બાળક લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા 11 વર્ષના આ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
બીજી તરફ હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીની માતાએ જણાવ્યું છે કે, "બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને આ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. શાળામાં શિક્ષકો હાજર હતા છતાં પણ તેમના દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. કોઈ બાળક શાળામાં આ રીતે ચપ્પુ લઈને આવે તે ખૂબ જ ઘાતક અને ખતરનાક બાબત છે."
શાળાના જણાવ્યા અનુસાર, આ દુઃખદ ઘટના શાળાના કેમ્પસની અંદર નથી બની, પરંતુ શાળા છૂટ્યા બાદ બહાર કોઈ સ્થળે આ ઝઘડો થયો હતો. શાળા તંત્રએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, સ્કૂલમાં સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરાતી નથી. રોજ સવારે જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમના બેગનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
