Surat: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો જ અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ, હેતલ પટેલે વરાછા વિસ્તારમાં રોડ રસ્તા પર દબાણો મુદ્દે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. વરાછા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાનો અને રસ્તાઓ પર બેફામ થતા દબાણને તાત્કાલિક દૂર કરવાની ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. એટલુ જ નહીં, વેસુ, વીઆઈપી રોડ પર જે રીતે વિકાસ થાય એ મુજબ વરાછા વિસ્તારમાં વિકાસ ન થતો હોવાનો ભાજપ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો હતો.
ભાજપ કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ પાલિકામાં સ્ટાફની અછતથી આકરણી અને વેરા બાબતની કામગીરી ખાડે ગઈ હોવાનો સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના જ ઘરની આકરણી બાકી હોવાની અને વેરાબીલ ન આવતુ હોવાનો ધર્મેશ ભાલાળાએ આરોપ લગાવ્યો હતો. સાથે જ તાત્કાલિક કોન્ટ્રાક્ટ બેઝ પર સ્ટાફની ભરતી કરવાની અને શહેરની તમામ મિલકતોની આકરણી કરવાની માંગ કરી હતી.
ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વરાછા વિસ્તારના વિકાસને લઈને ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. વરાછામાં વિકાસનાં કામો પૂરતી ગતિએ થતાં ન હોવાનો આક્ષેપ કરીને કોર્પોરેટરોએ વિસ્તાર સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી. વેસુ અને VIP રોડની સરખામણીએ વરાછામાં વિકાસનાં કામો ઓછાં થતાં હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટરો મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ અને હેતલ પટેલ સહિતના કોર્પોરેટરોએ વરાછાના વિકાસના પ્રશ્નો સામાન્ય સભામાં રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, વેસુ અને VIP રોડ વિસ્તારમાં જે પ્રકારે વિકાસનાં કામો થઈ રહ્યાં છે, તે પ્રમાણે વરાછા વિસ્તારમાં વિકાસ જોવા મળતો નથી.
કોર્પોરેટરોએ વરાછા વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તા, બ્રિજ સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવતી હોવા છતાં તેનો યોગ્ય ઉકેલ આવતો ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વિકાસનાં કામોને વેગ આપવા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ, ભાજપનાં કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ શહેરના રોડ-રસ્તા પરનાં દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. રસ્તાઓ પરનાં દબાણોને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દબાણો હટાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષને બદલે સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ વરાછાના વિકાસ અંગે સવાલો ઉઠાવતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
