Surat News: સુરતના વીઆર મોલમાં ફરી એકવાર બોમ્બ ધમકી મળતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ગત 9 એપ્રિલ બાદ આ વર્ષે આ બીજી ઘટના છે. આજે રક્ષાબંધનના તહેવારના દિવસે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો.


મળતી માહિતી અનુસાર, આજે બપોરે મોલના મેનેજમેન્ટને આ ધમકી મળી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.


પોલીસે તાત્કાલિક મોલ ખાલી કરાવ્યો હતો અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડની મદદથી સમગ્ર મોલની તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.


મોલમાં હાજર લોકોને બહાર કાઢવામાં આવતાં લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે મોલમાં ભારે ભીડ હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે પણ પોલીસે સમગ્ર મોલની તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નહોતું.


આ ઘટનાને પગલે સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


સુરતમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા થઈ હતી. 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મૃતદેહો મળી આવ્યા હતા.


સુરતમાં હત્યા, ગુનાખોરી અને ચોરી જેવા અપરાધો સતત વધી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ખરેખરમાં, સુરતમાં 24 કલાકમાં એક સાથે હત્યાની ત્રણ ઘટનાઓ ઘટી છે. શહેરના સચિન, પાંડેસર, હજીરામાં ત્રણ લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે પોલીસને એક સાથે ત્રણ લોકોના મૃતદેહો મળ્યા છે, સચિન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પાંડેસરામાં 24 વર્ષીય એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે અને હજીરામાં સાત દિવસથી ગુમ બાળકીને મૃતદેહ મળી આવ્યો છે. આ એક જ દિવસમાં પોલીસને ત્રણ અલગ અલગ સ્થળેથી ત્રણ મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. 


આ પણ વાંચોઃ દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ