સુરત : પતિ સાથે ઝગડો થતાં અલગ રહેતી  કતારગામ વિસ્તારની બે બાળકોની માતા એવી યુવતી સાથે બાંધકામ સુપરવાઈઝરે યુવતીની દુકાનમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી કરતાં પાંચ વર્ષ નાના બાંધકામ સુપરવાઈઝરે યુવતીને લગ્નનું વાયદો આપીને માથામાં સિંદૂર ભરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું.


બાંધકામ સુપરવાઈઝરે યુવતીને ‘હવે તું મારી પત્ની છે’ તેમ કહી બાળકોના પિતા તરીકેની જવાબદારી નિભાવવાનું પણ વચન આપીને તેની દુકાનમાં તથા અન્ય સ્થળે અવારનવાર શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું. હવે તું મારી પત્ની છે થોડા સમય પછી યુવતીને  તરછોડી દેતા કતારગામ પોલીસે મહિલાની ફરિયાદના આધારે બાંધકામ તેના પ્રેમી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી બે બાળકોની માતા એવી 36 વર્ષની યુવતી હોઝીયરીનો ઓનલાઇન વેપાર કરવાની સાથે પોતાની દુકાન પણ ધરાવે છે. છ વર્ષ અગાઉ પતિ સાથે વિખવાદને લીધે તે અલગ થઈ હતી ત્યારે તેનો પરિચય બાંધકામ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નિખિલ રામજીભાઇ ટાંક ( ઉ.વ.31, રહે. ઘર નં.305-306, સાગર આવાસ એપાર્ટેમેન્ટ, ઘોળકિયા ગાર્ડનની બાજુમાં, કતારગામ, સુરત ) સાથે થયો હતો.


નિખિલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું અને તારા બંને સંતાનોના પિતા તરીકેની જવાબદારી પણ નિભાવીશ તેમ કહી યુવતીના માથામાં સિંદૂર પૂરી તેને મંગળસૂત્ર પહેરાવી આપણે બન્ને હવે પતિ પત્ની છીએ તેમ કહ્યું હતું. નિખિલે યુવતી સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. ત્યાર બાદ નિખિલે યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બીજે રહેવા રૂમ અપાવી ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.


યુવતીનું કામ સારું ચાલતું હોવાથી નિખિલ તેની પાસેથી ટુકડે ટુકડે રૂ.30 હજાર અને દુકાનેથી કપડાં પણ લઈ ગયો હતો. યુવતીએ પૈસા પરત માંગતા નિખિલે પૈસા પરત કરવા ઇન્કાર કરી સંબંધ રાખવા અને લગ્ન કરવા ઇન્કાર કરી તેને તરછોડી દીધી હતી. તેણે બંને વચ્ચેના સંબંધની જાણ યુવતીના પતિને પણ કરવાની ધમકી આપી હતી. આથી છેવટે યુવતીએ નિખિલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે નિખિલ ટાંકની ધરપકડ કરી છે.