સુરતઃ સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંધ ઘરમાંથી દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગર્ભા અને પુત્રના મોતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.  કડોદરા શ્રીનિવાસ ગ્રીનસીટી સાંઈ યુનિકમાં મહેશ જિલાજીત પાંડે (મૂળ- ઉત્તર પ્રદેશ) પત્ની બિનિતાદેવી (ઉ.વ.૩૨), પુત્ર આર્યન અને ક્રિષ્ના (ઉ.વ.૨) તેમજ પિતાજી જીલાજીત પાંડે સાથે રહે છે. તેમજ સુરતના સચીન ખાતે સંચા મશીનમાં કામ કરે છે. 


બિનિતાદેવી હાલ પાંચ માસની ગર્ભવતી હતી. મંગળવારે રાતે બિનિતાદેવી પોતાના બંને પુત્રો આર્યન અને ક્રિષ્ના સાથે રૂમમાં ઉંઘી ગઈ હતી. જ્યારે બીજા રૂમમાં મહેશ પાંડે પિતા જીલાજીત સાથે ઉંઘી ગયા હતા. દરમિયાન વહેલી સવારે ચાર વાગે સુરતના ઉધના ખાતે રહેતી પોતાની નણંદ સીમાને ફોન કરી પોતે નાના પુત્ર ક્રિષ્નાને મારી નાખી બિલ્ડિંગના અગાસીમાં જઇ નીચે કુદી આત્મહત્યા કરૃં છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી તેણે નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. 


કડોદરા પોલીસે હાલ મહેશ પાંડેની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રિષ્નાની લાશનું પીએમ કરાવતા શ્વાસ રુંધાવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. પોલીસે બિનિતાદેવી વિરૃધ્ધ બે વર્ષના પુત્ર ક્રિષ્નાની હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 


સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે.