ગુજરાતમાં ભાજપ શાસિત કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરબા યોજવા બહાર પાડ્યું ટેન્ડર ? ડોક્ટરોની ચેતવણીને ઘોળીને પી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2020 11:09 AM (IST)
ગુજરાતમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે લોકોમાં ફફડાટ છે. આ કારણે નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા અંગે રાજ્ય સરકાર અનિશ્ચિત છે.
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે લોકોમાં ફફડાટ છે. આ કારણે નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા અંગે રાજ્ય સરકાર અનિશ્ચિત છે ત્યારે ભાજપ શાસિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા માટે ટેન્ડર બહાર પાડીને ઓફરો મંગાવતાં વિવાદ સર્જાયો છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા માટે સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે સુરત મનપાએ એવી દલીલ કરી છે કે, છેલ્લી ઘડીએ રાજ્ય સરકાર રાજ્યમાં નવરાત્રિ યોજવા મંજૂરી આપે તો દોડાદોડી ન થાય તે માટે અમે અત્યારથી તૈયારીઓ આરંભી છે અને ટેન્ડર બહાર પાડી અરજીઓ મંગાવી છે. મહાનગર પાલિકાએ ટેન્ડર બહાર પાડીને 1 ઓક્ટોબર સુધી બંધ કવરમાં આયોજકોને પાલિકા મુખ્ય કચેરીએ ફોર્મ જમા કરાવવાનું કહેવાયું છે. ગયા વર્ષે 25 લાખમાં ઈન્ડોર ભાડે અપાયું હતું. આ વખતે કેટલામાં ટેન્ડર ભરાશે તે ખબર નથી પણ છેલ્લી ઘડીએ સરકાર મંજૂરી આપે તો દોડાદોડી ન થાય તે માટે પાલિકાએ ઓફર મંગાવી હોવાની દલીલ ગળે ઉતરે તેવી નથી. રાજ્યમાં ગરબાના આયોજનની હિલચાલ સામે થોડા દિવસ પહેલાં રાજ્યના ડોક્ટર્સ એસોસિએશને રાજ્ય સરકારને ચીમકી આપી હતી કે, રાજ્યમાં નવરાત્રિ થઈ તો કોરોના વાયરસનો રાફડો ફાટશે અને તેને અંકુશમાં લેવાનું અશક્ય થઈ જશે. તેમણે સરકારને ચેતવી પણ હતી કે, નવરાત્રિ દરમિયાન ખેલૈયા કોરોના સંક્રમિત થશે તો અમે તેની સારવાર કરીશું નહીં પણ મનપા તંત્ર પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. સુરતમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ અંકુશ બહાર છે. રોજ જ કેસો વધી રહ્યા હોવા છતાં નવરાત્રિ અંગે સુરત મનપાએ વિવાદાસ્પદ જાહેરાત કરતાં લોકોની તેમને પરવા જ ના હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ