Surat News: વર્લ્ડકપ શરૂ થવાની સાથે જ નીટેડ કાપડની ડિમાન્ડ વધી છે. જેને લીધે સુરતના કાપડ ઉદ્યોગકારોને ૪૦૦ ટન નીટેડ કાપડ માટેના ઓર્ડર મળ્યા છે. વર્લ્ડકપ માટે ખેલાડીઓના ડ્રેસમાં નીટેડ ફેબ્રિક્સનો ઉપયોગ થાય છે સાથે જ ખેલાડીઓ અને ટીમના સમર્થકોમાં પણ ખેલાડીઓ જેવો ડ્રેસ પહેરવાનો ક્રેઝ હોવાથી સુરતના કાપડ ઉદ્યોગને તેનો ફાયદો મળ્યો છે. સુરતના કાપડ ઉદ્યોગકારોને 10 કરોડનો વેપાર મળવાની આશા છે. ક્રિકેટરોની ટી-શર્ટ અને પેન્ટનો ક્રેઝ- નીટેડ કાપડની માંગ ચાર ગણી વધી છે.



સુરતમાં મોટાપાયે પોલિસ્ટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે.  હવે સુરતમાં કેટલાક ઉદ્યોગકારો નીટેડ ફેબ્રિક્સનું ઉત્પાદન તરફ પણ વળ્યા છે. નીટેડ ફેબ્રિક્સનો ઉપયોગ ખેલાડીઓના ટી-શર્ટ- પેન્ટ, ટ્રેકપેન્ટ સહિત અનેક પ્રકારના ડ્રેસ બનાવવા માટે થાય છે. સુરતમાં પોલિયેસ્ટર કાપડ પર નીટેડ ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે.


સુરત સિવાય લુધિયાણામાં પણ નીટેડ ફેબ્રિક્સ તૈયાર થાય છે પણ તેની કરતા સુરતનું કાપડ સસ્તું હોવાથી અહીંની ડિમાન્ડ વધારે છે. સુરતમાં તૈયાર થતા નીટેડ કાપડ વિદેશોમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા મંગાવવામાં આવે છે અને તેને સ્ટીચ કરીને તેમની બ્રાન્ડ ચોંટાડીને વેચવામાં આવે છે.


હાલ વર્લ્ડકપમાં પણ કેટલીક ટીમોના ખેલાડીઓ માટે પણ સુરતના નીટેડ ફેબ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતના વેપારીઓ પાસે સામાન્ય દિવસો કરતાં હાલ ૪ ગણી ડિમાન્ડ વધી છે. દેશભરમાં ક્રિકેટનો ક્રેઝ છે ત્યારે ક્રિકેટ શોખીનો પણ ખેલાડીઓ જેવા ડ્રેસ અને તેમની ફેવરિટ ટીમને સમર્થન આપવા માટે નીટેડ કાપડની ટી-શર્ટ અને પેન્ટ પહેરીને મેચ જોવા આવે છે. જેને પગલે સુરતના વેપારીઓને ૪૦૦ ટનના ઓર્ડર હાલના દિવસોમાં મળ્યા છે.

સુરતના કાપડ ઉદ્યોગકારોને હાલ વર્લ્ડકપ દરમિયાન ૪૦૦ ટન નીટેડ ફેબ્રિક્સ માટેના ઓર્ડર મળ્યા છે. ખેલાડી અને તેમના સમર્થકો માટેના નીટેડ કાપડ પણ સુરતમાં તૈયાર કરવામાં આવે છે. અહીંથી વેપારીઓ ખરીદી કરે છે અને તેને સ્ટીચ કરવામાં આવે છે, જે અલગ-અલગ ક્રિકેટ બોર્ડ દ્વારા ખરીદી કરવામાં આવે છે. સુરતના વેપારીઓને અંદાજિત ૧૦ કરોડના ઓર્ડર મળ્યા છે.