સુરત: સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં છે. સુરત શહેરમાં મોટા અને ભીડભાડવાળા મોલ વિકેન્ડ પર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ મોલના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર બાદ સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસમાં ચિંતાજનત રીતે વધારો થતા સુરત મનપા ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.

સુરત કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાક દરમિયાન 238 જેટલા કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશમાં 173 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. સુરત જિલ્લામાં નવા 61 કેસ નોંધાયા હતા જ્યારે 21 લોકો સાજા થયા હતા.

રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.