સુરતઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સુરત શહેરમાં કોરોનાના ચેપમાં વોરિયર્સ સપડાયા છે. ગઇકાલે મનપાના બે સેનેટરી ઇન્સ્પેક્ટર પોઝિટિવ આવ્યા હતા. તેમજ સિવિલના વધુ બે તબીબો પણ ચેપગ્રસ્ત બન્યા છે. સિવિલ હોસ્પિટલના નર્સ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉત્રાણ હેલ્થ સેન્ટરના નર્સ સહિત અનેક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. વોરિયર્સમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધતું તંત્રની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ 34 લોકોના મોત થયા છે. 744 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 50465 પર પહોંચી છે.