સુરતઃ કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હોવાના સમાચાર વહેતા થયા છે. કેટલાંક અખબારોમાં આ પ્રકારના અહેવાલ છપાયા હતા પણ કેન્દ્ર સરકારે આ વાતોને અફવા ગણાવી છે.

સુરતમાં  આગામી 48 કલાકમાં લોકડાઉન  લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે. નીતિ આયોગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી સ્પષ્ટતાના પગલે પીઆઈબી દ્વારા આ સ્પષ્ટતા કરાઈ છે.

સુરતમાં લોકડાઉ લદાશે એ પ્રકારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતની મુલાકાત બાદ શહેરમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી.



આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, શહેરમાં કોરોનાના કારણે કથળતી પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની નીતિ આયોગની ટીમ અને એઈમ્સના ડાયરેક્ટર સુરતમાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઇસીએમઆર ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતીબેન આહુજાનો સમાવેશ થતો હતો.

આ ટીમ સમક્ષ સુરતના ખાનગી તબીબોએ લોકડાઉનની રજૂઆત કરી હતી. શહેરની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એઈમ્સની ટીમે સુરતની સ્થિતિ અંગેની ચર્ચા અમદાવાદમાં જઈને કરી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારને સુરતમાં ફરી લોકડાઉન કરવા માટેની ભલામણ કરી છે. જેને પગલે આગામી 48 કલાકમાં સુરતમાં લોકડાઉન જાહેર કરાય તેવા ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારે આ અહેવાલને ગેરમાર્ગે દોરનારા અને સત્યથી વેગળા ગણાવ્યા છે.