Surat News: શાંતિના દૂત કબૂતરને લોકો રોજ હોંશે હોંશે ચણ નાંખતા હોય છે, પરંતુ આ કબૂતરની ચરકથી ફેલાતું ઈન્ફેક્શન ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. તાજેતરમાં જ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘોડદોડ રોડ, નંદનવન સોસાયટીમાં રહેતા ટોરેન્ટ કંપનીના નિવૃત કર્મચારી પંકજ દેસાઈ (68)ને રોજ કબૂતરને ચણ નાંખવાનું ભારી પડી ગયું હતું.


પૂજાપાઠ કર્યા બાદ રોજ ટેરેસ પર જઈને કબૂતરને દાણા નાંખતા આ વૃદ્ધને 2 વર્ષ પહેલાં હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું, જે કબૂતરની ચરકના કારણે થાય છે. સામાન્ય ખાંસી બાદ ધીમે ધીમે ઈન્ફેક્શન વધી જઈ ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું, જેમાં તેઓ વોશરૂમ સુધી પણ ચાલી શકતા ન હતા. આખરે પાંચેક દિવસ અગાઉ જ તેમનું મોત નિપજ્યું હતું.


તબીબો કહે છે કે, જે લોકો કબૂતરના વધુ સંપર્કમાં રહેતા હોય, સતત ખાંસી જેવી તકલીફ રહેતી હોય તો સમયસર નિદાન કરવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય છે આવા ઈન્ફેક્શનને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનાઈટીસ કહેવાય. કબૂતરની ચરકમાંથી બેક્ટેરિયા ફેફસામાં પહોંચી એલર્જી થઈ ન્યૂમોનિયા થાય છે, જેમાં શરૂઆતમાં તાવ, ખાંસી, શ્વાસની તકલીફ થાય છે. શરૂઆતમાં જ દર્દીને કબૂતરથી દૂર કરી દો તો બચી શકે પણ જો મોડું નિદાન થાય અને ક્રોનિક સ્ટેજમાં પહોંચી જાય તો લાઈફ ટાઈમ રહે છે અને ધીમે ધીમે દર્દી ઓક્સિજન પર આવી જાય છે.


આ ઈન્ક્યોરેબલ ડિસીઝ છે અને ફાઈબ્રોઈડ ડેવલેપ કરે છે. ફાઈનલ ટ્રીટમેન્ટ ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે. સિટીસ્કેનમાં નિદાન થયા બાદ પેનલ ટેસ્ટ કરાય તો ખ્યાલ આવે. કબૂતરને રોજ ચણ નાંખતી હોય તેવી મહિલા દર્દી વધુ છે. ઈન્ફેક્શન થતાં રોગપ્રતિકારક શક્તિ ઘટી અન્ય ઈન્ફેક્શનો પણ લાગી શકે છે.


એલર્જી-ચેસ્ટ ફિઝિશિયન કોઈ પણ પ્રકારની એલર્જી હોય તેવી વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. આવી વ્યક્તિને કબૂતરની ચરકના બેક્ટેરીયાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતા વધુ રહે છે.જો તમે સતત કબૂતરના સંપર્કમાં આવતા હોય અને સતત ખાંસી આવે, તાવ આવે અને શ્વાસની તકલીફ જણાય તો તાત્કાલિક તપાસ કરાવી લેવી જોઈએ સમયસર નિદાન થાય અને કબૂતરથી દુર કરવામાં આવે તો દર્દી સાજો થઈ શકે.