સુરત : પાટીદાર આંદોલનકારી અલ્પેશ કાથીરિયા આજે લાજપોર જેલમાંથી મુક્ત થશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અલ્પેશને આવકારવા લાજપોર જેલ પહોંચશે. અલ્પેશ જેલમુક્તિ બાદ સુરતના લાલ દરવાજા ખોડિયાર મંદિરના દર્શન કરશે. ત્યાર બાદ મિનિબજાર સરદારની પ્રતિમાને ફુલહાર કરશે.
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. હવે આજે તેનો જેલમાંથી છૂટકારો થશે. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.
અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે. અત્યારે મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે નહીં તેને લઈને પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ગત 21મી ફેબ્રુઆરીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં અલ્પેશની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા માર્યા હતા તેમજ પથ્થરથી માર માર્યો હતો. ઉપરાંત 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.
રાજ્યમાં આજથી ધોરણ 10, 12ના રિપીટર્સની પરીક્ષા શરૂ, જાણો આજે ક્યા વિષયનું પેપર
ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક મળીને કુલ પાંચ લાખ 51 હજારથી વધુ વિદ્યાર્થઈઓની પરીક્ષા આજથી શરૂ થશે. આ પરીક્ષાઓ 28 જુલાઈ સુધી ચાલશે. ધોરણ 12 સાયંસની પરીક્ષાનો સમય બપોરના અઢી વાગ્યાથી છ વાગ્યા અને સામાન્ય પ્રવાહનો સમય બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યાને 45 મિનિટનો રહેશે.
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે દસ વાગ્યાથી બપોરના સવા લાગ્યા સુધીનો રહેશે. આજે ધોરણ દસમાં ગુજરાત, હિંદી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાનું પેપર લેવાશે. ધોરણ 12 સાયંસમાં આજે ભૌતિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામના મુળ તત્વો અને સામાજીક વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાશે.
ધોરણ દસમાં કુલ 12 લાખ 30 હજાર 17 વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જેમાંથી આઠ લાખ 52 હજાર જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. આ સિવાયના રિપિટર્સ, ખાનગી સહિત ત્રણ લાખ 78 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. જેમાં 52 હજાર જેટલા એવા પરીક્ષાર્થીઓ છે. જેઓ માત્ર હિંદી વિષયની પરીક્ષા માટે નોંધાયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ 42 હજાર 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ચાર લાખ એક હજાર 60 થાય છે. આ સિવાય 72 હજાર 398 રિપિટર્સ, 24 હજાર 954 ખાનગી રિપિટર્સ, 10 હજાર 572 આઈસોલેટ અને 33 હજાર 316 ખાનગી વિદ્યાર્થી થાય છે.