સુરતઃ આજે સુરત સેસન્સ કોર્ટમાં નારાયણ સાઈ વિરુદ્ધ સજા સંભળાવવામાં આવશે. સાધિકા દ્વારા દુષ્કર્મની ફરિયાદ બાદ નારાયણ સાઈને સુરત સેસન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો છે. આજે નામદાર જજ દ્વારા સરકારી અને બચાવપક્ષ બંને વકીલોને આ બાબતે પૂછવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા કલમો મુજબ વધુમાં વધુ સજા થાય તેવી દલીલ કરાશે, જ્યારે બચાવપક્ષના વકીલ આરોપીની સજાનો બચાવ કરશે. બંનેની દલીલો સાંભળ્યા બાદ નામદાર જજ આજે સજાનું એલાન કરશે.



ચકચારી નારાયણ સાઇ બળાત્કારના કેસમાં સુરત સેશન્સ કોર્ટે સાધિકા પર બળાત્કારના કેસમાં નારાયણ સાઇ ઉપરાંત સાઇની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ દોષિત જાહેર કર્યા છે. હવે તેમની સજાનું એલાન આજે કરવામાં આવનાર છે, ત્યારે નારાયણ સાઇને કેટલી સજા થાય છે તેના પર સૌની નજર છે. સેશન કોર્ટના જજ પી.એસ. ગઢવીની કોર્ટમાં નારાયણ સાઇ દોષિત ઠર્યા હતા.



નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં સાધક પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થઈ હતી. પીડિતાનો આરોપ હતો કે નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ નારાયણ સાઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયા હતા.