નવસારીઃ ગઈ કાલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યા પછી આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે નવસારી શહેરમાં કમોસમી માવઠું પડ્યું હતું. શહેરમાં આવેલા લુન્સીકુલ, જુનાથાણા દુધિયા તળાવ સહીતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા  વધી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે. 


ગઈ કાલે રાતે વડોદરામાં દિવસ દરમિયાનની ગરમી ને ઉકરાટ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. ધીમી ધારે છાંટા પડતા  વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહ્યું હતું. નિઝામપુરા, સમાં, છાણી, ટીપી 13, હરણી, ફતેહગંજ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


મહેસાણામાં ઊંઝાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના આગમનથી ખેડુતોની ચિંતા વધી છે. 


બોટાદ શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. શહેરમાં ગઈ કાલે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ પછી ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો. અમરેલીમાં  વાડિયાના હનુમાન ખીજડિયા ગામે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ખેતરોના નાળાઓમાં પાણી વહેતુ થયું હતું.  


નર્મદા ના ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન થઈ શકે છે. વરસાદની સાથે કરા પણ પડ્યા ત્યારે લોકોએ ગરમીથી હાશકારો પણ અનુભવ્યો હતો. ડેડીયાપાડા તાલુકાના પીપલોદ, ડુમખલ,સાંકળી અને કોકમ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામે અચાનક કમોસમી  વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂલ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.  અમરેલીમાં  બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. રફાળા, જૂની-નવી હળીયાદ સહીતમાં ગામોમાં વરસાદી ઝાપટુ પડતા રોડ રસ્તા પલાળ્યા હતા.  અરવલ્લીમાં બાયડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જત્રાલકંપા વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો.  


છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કવાંટ તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વાદળ ઘેરાયા હતા.  બનાસકાંઠામાં ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડમા વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કરા સાથે વરસાદ થયો હતો. આબુરોડનું વાતાવરણ પલટાતા વરસાદ પડ્યો હતો. 


પૂર્વ કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે. રાપર તાલુકા અને ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતાની આગાહી વચ્ચે ફરી આજે રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ચોબારી , મનફરા , કણખોઈ , ખેંગારપર વિસ્તાર માં ભયંકર ગાજવીજ અને કરા સાથે ધોમાધર વરસાદ ખાબક્યો હતો. કામોસમી વરસાદથી ખેડૂત અને માલધારી વર્ગને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.