સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ પણ બે સગા ભાઈઓ છે. ગઈકાલે રાત્રે સોસાયટીમાં  ગરબા હતા. પાડોશમાં જ રહેતા ટપોરીઓએ મૃતકના ઘર પાસે વાહનો પાર્ક કર્યા હતા.  વાહનો હટાવવાનું કહેતા ઝઘડો કર્યો હતો અને છરીના ઘા મારી રાહુલ અને પ્રવીણ નામના બે ભાઈઓની હત્યા કરી નાંખી હતી.  રાહુલ મોચી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો. પ્રવીણ હીરાના કારખાનામાં કામ કરતો હતો.  બે જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં છે. પોલીસે ડબલ મર્ડરના ગુનામાં એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. 


બંને ભાઈઓને છરીના ઘા ઝીંક્યા હતા


સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા સુખલાલ કિશનભાઈ પીંપળે પરિવાર સાથે રહે  છે.સુખલાલ પીંપળેએ એક ઘટનામાં પોતાના બે દીકરા ગુમાવ્યા છે. સુખલાલના પુત્ર રાહુલ   અને પ્રવીણની હત્યા કરવામાં આવી હતી.ગત  રાતે નવરાત્રિ મહોત્સવમાં થયેલા ઝઘડાનો ખાર રાખી 4 જેટલા શખ્સોએ બંને ભાઈઓને છરીના ઘા ઝીંક્યા હતા.  




ગંભીરરીતે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,  પરંતુ સારવાર મળે તે પહેલા જ હોસ્પિટલમાં ડૉક્ટરોએ  બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની માહિતી અનુસાર રાતે નવરાત્રિ દરમ્યાન વાહનો પાર્ક કરીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો. 4 જેટલા શખ્સો  વાહન હટાવવા બાબતે ઝઘડો કર્યો હતો જેમાં મારામારી થતા બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.  ડબલ મર્ડર કેસમાં  પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.  


સુરતના ગોડાદરામાંથી લાખો રુપિયાનો ડુપ્લીકેટ મસાલો ઝડપાયો


ચટાકેદાર મસાલાની લિજ્જત માણતા હોય તો ચેતી જજો,  કારણ કે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી  6 લાખનો ડુપ્લીકેટ મસાલો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસે મસાલા સહીત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં  વેપારી ડુપ્લીકેટ મસાલાનો માલનો જથ્થો ટેમ્પોમાં ભરી પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકાની ટીમ દ્વારા પાંડેસરા પોલીસને જાણ ક૨વામાં આવતા પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાં મેસેજ પાસ કરી દીધો હતો. આ દરમિયાન ગોડાદરા વિનાયક હાઈટ્સ પાસેથી પોલીસે શંકાને આધારે ડુપ્લીકેટ એવરેસ્ટ બ્રાન્ડના મસાલાનો જથ્થો ભરેલી ગાડી સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 6.48 લાખની કિંમતના 7 ગ્રામના પેકીંગવાળા 1.29 લાખ પાઉચ કબજે કરી કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.